Gujarat

પીપરલાના પિતા-પુત્રને હત્યા કેસમાં આજીવન કેદની સજા

By GS TEAM
10 Mar 20261 min read
પીપરલાના પિતા-પુત્રને હત્યા કેસમાં આજીવન કેદની સજા

- આધેડને તલવારના ઘા ઝીંકી માથું છુંદી નાંખ્યું હતું

- ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજે ચુકાદો આપ્યો, પ્રત્યેક આરોપીને 10 હજારનો દંડ

ભાવનગર : ઘોઘા તાલુકાના પીપરલા ગામે પોણા બે વર્ષ પૂર્વે નજીવી બાબતમાં આધેડની થયેલી હત્યાના ચકચારી કેસમાં હત્યારા પિતા-પુત્રને આજીવદન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘાના પીપરલા ગામે રહેતા વેલજીભાઈ વશરામભાઈ બારૈયા (ઉ.વ.૫૫) ગત તા.૨૮-૭-૨૦૨૪ના રોજ દૂધ ભરીને બાઈક પર પરત આવી રહ્યા હતા. ત્યારે અગાઉ વાડીમાં બકરાં ચરાવવા અને નિલગીરીના ઝાડને કાપી નાંખવા બાબતે આપેલા ઠપકોની દાઝ રાખી તે જ ગામે રહેતો મેહુલ નાનુભાઈ બારૈયા અને તેનો પિતા નાનુ બચુભાઈ બારૈયા નામના શખ્સોએ શાળાની સ્કૂલ પાસે આવી વેલજીભાઈને આડેધડ તલવારના ઘા ઝીંકી માથું છુંદી નાંખી કરપીણ હત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી બન્ને હત્યારાની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડક સેશન્સ જજ એચ.એસ. મુળિયાની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી મનોજભાઈ આર. જોષી તથા મુળ ફરિયાદી પક્ષના વકીલ નિતીનભાઈ જી. નાગરેની ધારદાર દલીલો, દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ આરોપી મેહુલ બારૈયા અને નાનુ બારૈયાને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને પ્રત્યેક આરોપીને રૂા.૧૦,૦૦૦નો દંડ અદાલતે ફટકાર્યો હતો.