Get The App

સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
સોમનાથ ભારતની પ્રેરણા,તીર્થોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ થઈ છે-વડાપ્રધાન મોદી 1 - image

દેશની વિરાસતોની જાળવણીની હજારો વર્ષ જુની પરંપરા નવી પેઢીને સોપીએ  : સોમનાથના પુનઃનિર્માણના 75 વર્ષની સાથે પોખરણ પરમાણુ પરીક્ષણના 26 વર્ષને સ્મરીને વડાપ્રધાને કહ્યું દુનિયાની કોઈ તાકાત ભારતને દબાવી નહીં શકે

 રાજકોટ, : કરોડો ભાવિકોના આસ્થાના પ્રતિક અને દેશની હજારો વર્ષ પુરાની સાંસ્કૃતિક વિરાસત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનું આઝાદી પછી સરદાર પટેલના સંકલ્પથી તા. 11 મે 1951માં પુનઃનિર્માણ થયું તેને આજે સોમવારે 75 વર્ષ પૂરા થયા તે નિમિત્તે યોજાયેલા ભવ્યાતિભવ્ય અમૃતપર્વમાં ઉપસ્થિત વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ  જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે આઝાદી પછી સોમનાથનું પુનઃનિર્માણ એ ભારતની ચેતનાનો ઉદઘોષ હતો, સોમનાથ અમૃત મહોત્સવ એ આવનારા એક હજાર વર્ષ માટે ભારતની પ્રેરણા છે, કાશી વિશ્વનાથ,કેદારનાથ, અયોધ્યા,સોમનાથ સહિત  તીર્થ સ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે પણ જોડાયેલો છે .

આજે 11 સોમનાથ મંદિર પુનઃનિર્માણને 75 વર્ષ પૂરા થયા તે સાથે આજે ેઈ.સ. 1998માં પોખરણ અણુ પરીક્ષણ ઓપરેશન શિવશક્તિની પણ 27મી વર્ષગાંઠ છે. જે નિમિત્તે શુભકામના પાઠવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ સમયે દુનિયાભરની તાકાતો ભારતને હરાવવા મેદાનમાં ઉતરી આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા પણ તત્કાલીન વડાપ્રધાન અટલજીએ દુનિયાને બતાવ્યું કે ભારતીયો નોખી માટીના બનેલા છે, આ પરીક્ષણના બે દિવસ બાદ તા. 13ના ફરી પરમાણુ પરિક્ષણ કરાયા ત્યારે દુનિયાને સમજાઈ ગયું કે દુનિયાની કોઈ તાકાત ભારતને ઝુકાવી શકે નહીં કે દબાવી શકે નહીં. શિવ સાથે શક્તિની આરાધના આપણી પરંપરા છે અને તેથી ચંદ્રયાન મિશનમાં રોવર જ્યાં લેન્ડ થયું તેને આપણે શિવશક્તિ પોઈન્ટ નામ આપ્યું છે. 

વડાપ્રધાને ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા'ખેંગાર, વીર હિમીરસિંહ ગોહિલ, વેગડા ભીલ, અહલ્યાબાઈ હોલકરથી માંડીને સરદાર પટેલ સાથે કનૈયાલાલ મુનશી, ડો.રાજેન્દ્ર પ્રસાદ, ગાયકવાડ,જામ સાહેબ સહિત અનેક અનેક મહાનુભાવોના યોગદાનનું સ્મરણ કર્યું હતું જેમણે સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું. દેશની વિરાસતોની જાળવણીની હજારો વર્ષની પરંપરા નવી પેઢીને સોંપીએ તેવી અપીલ કરતા કહ્યું કે ભારતની ગૌરવશાળી સાંસ્કૃતિક વિરાસતોને અનેક વીર-સપુતોએ સંરક્ષિત કરી છે,હવે નવી પેઢીને તેની ભવ્યતાથી અને જવાબદારીથી જાગૃત કરીને  તેમને મહાન વારસો સોંપવાનો છે. 

સદ્ભાવના મેદાન ખાતે જનમેદનીને સંબોધતા વડાપ્રધાને કહ્યું સૃષ્ટિનું સર્જન અને અંતે વિલય શિવમાં થાય છે તેમના ધામમાં પુનઃનિર્માણનો અને હળાહળ વિષનું પાન કરીને નીલકંઠ કહેવાયા તેમના શરણમાં આજે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ તે ભગવાન સદાશિવની લીલા છે. સોમનાથનું પુનઃનિર્માણ કરાવીને સરદાર પટેલે દુનિયાને બતાવ્યું કે ભારત માત્ર આઝાદ નથી થયો પણ પ્રાચીન ગૌરવને પુનઃ હાંસલ કરવાના માર્ગે આગળ ધપી રહ્યો છે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી,મિટાવી શક્યા નથી.હુમલાખોર આક્રાન્તાઓ ભારતનું વૈચારિક સામર્થ્ય જાણતા ન હતા, જેટલી વાર આક્રમણ થયું એટલીવાર સોમનાથ વધુ દિવ્યતાથી પુનઃનિર્માણ થયું છે. સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું હોય.