ઠાસરામાં ટાવરથી સરકારી હોસ્પિટલ તરફની ચોકડીએ કચરાના ઢગલાં
- દિવસ દરમિયાન અડિંગો જમાવી બેસતા પશુઓ
- પાલિકા વિસ્તારમાં ફરી દબાણો ઉભા થઈ જતા ગંદકી અને ટ્રાફિકની સમસ્યા વકરી
ઠાસરા નગરપાલિકાના હાર્દ સમાન ટાવરથી સરકારી હોસ્પિટલ જવાના ત્રણ રસ્તા ઉપર રેવનદાસની ખડકી સામેની ચોકડીએ કચરાના ઢગલાં ખડકાયેલા છે. પશુઓ પણ કચરામાં અડિંગો જમાવી બેસી રહે છે.
ઠાસરા પાલિકા વિસ્તારમાં સવારે ઠેર ઠેર ચોકડીઓ ઉપર કચરાના ઢગલાં જોવા મળે છે.
ઠાસરા પાલિકા વિસ્તારમાં દબાણો પણ પહેલાની જેમ ભરી ઉભા થઈ ગયા છે.
ત્યારે જે દુકાનો આગળના ઓટલા, પગથિયાં દબાણો હટાવો ઝુંબેશમાં તૂટયાં છે તે વેપારીઓ પાલિકાના વહીવટદારો સામે નારાજગી વ્યક્ત કરી જણાવી રહ્યા છે કે, અન્ય જગ્યાએ દબાણો નહીં હટાવીને દબાણો તોડવાવાળા પાલિકાના જવાબદાર અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું હોવાના આક્ષેપ કરી રહ્યા છે. લગ્નની મોસમ હોવાથી બજારમાં દુકાનો સામે વસ્તુઓના પતરા મૂકી દેવાતા તેમજ વાહનો ઉભા રાખી દેવાતા ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે.