For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા સત્તાવાર રીતે અમલી બનાવવા આખરે PIL

Updated: Nov 24th, 2022


- અંગ્રેજીની સાથે સાથે માતૃભાષા પણ લાગુ કરવા માંગણી

અમદાવાદ,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર

ગુજરાત હાઇકોર્ટમાં રૂટીન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષા પણ અધિકૃત રીતે અમલી બનાવવા ભારતીય બંધારણની કલમ-૩૪૮(૨) હેઠળ આખરે મહત્ત્વની જાહેરહિતની રિટ અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ પીઆઇએલમાં પ્રતિવાદપ્પક્ષકારો તરીકે રાજય સરકાર અને કેન્દ્ર સરકારને દર્શાવવામાં આવ્યા છે. આજે કેસનું હીયરીંગ કર્યા બાદ હાઇકોર્ટે વધુ સુનાવણી ડિસેમ્બર માસમાં રાખી હતી. 

હાઇકોર્ટની કોર્ટ પ્રોસીડીંગ્સ માત્ર અંગ્રેજી ભાષામાં હોવાના કારણે વકીલો-પક્ષકારો સહિતના લોકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે

ગુજરાત હાઇકોર્ટમાં માતૃભાષા ગુજરાતી ભાષા સત્તાવાર રીતે લાગુ કરવા માંગણી કરતી જાહેરહિતની રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, કાઉન્સીલ ઓફ મીનીસ્ટર્સના અભિપ્રાયના આધારે ગુજરાત વિધાનસભા દ્વારા અગાઉ આ અંગેનો નિર્ણય કરાયો હતો. જેને ખુદ રાજયપાલે ૨૦૧૨માં બંધારણની કલમ-૩૪૮(૨) હેઠળ મંજૂરી આપી હતી. જો કે, ઓકટોબર-૨૦૧૨માં સુપ્રીમકોર્ટે ગુજરાત હાઇકોર્ટમાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને સત્તાવાર રીતે લાગુ કરવા અગાઉ ઇન્કાર કરાયો હતો, તે નિર્ણયને પણ અરજદાર આ પીઆઇએલમાં પડકારી રહ્યા છે. વર્ષ ૧૯૬૫માં કેબિનેટ કમીટીએ સરકારી કચેરીઓમાં પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવા અંગે નિર્ણય લેવા માટે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસનો અભિપ્રાય મંગાયો હતો. અગાઉ સને ૧૯૭૭ અને ૧૯૯૧માં સરકાર દ્વારા રચાયેલી ગુજરાતી ભાષા સમીક્ષા સમિતિએ પણ રાજય સરકારને ગુજરાત હાઇકોર્ટમાં માતૃભાષા ગુજરાતી ભાષાનો ઉપયોગ તબક્કાવાર વધારવાની રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મેળવવા અંગે સ્પષ્ટ ભલામણ કરી હતી. સમિતિની આ ભલામણ ૨૦૧૨માં રાજય સરકારે સ્વીકારી હતી. જો કે, ૨૦૧૬માં સુપ્રીમકોર્ટે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને વધારાની ભાષા લાગુ કરવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. આ જ પ્રકારની દરખાસ્ત તમિલનાડુ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક રાજયોની પણ આવી હતી. ગુજરાત હાઇકોર્ટમાં આવતા પક્ષકારો અંગ્રેજી ભાષામાં નિષ્ણાત  હતા નથી અને કેટલાક તો અભણ અને બહુ ઓછુ ભણેલા હોય છે ત્યારે વકીલો-પક્ષકારોને પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ હાઇકોર્ટમાં નહી થતો હોઇ ભારે હાલાકી અને મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે. અરજદારપક્ષ દ્વારા આ મામલે સરકારના સત્તાવાળાઓ સમક્ષ પણ ૨૦૧૬થી ૨૦૨૨ દરમ્યાન રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લે તા.૮-૯-૨૦૨૨ના રોજ ખુદ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખે પણ હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાની સત્તાવાર અમલવારી માટે રાજયપાલને પત્ર લખ્યો હતો. બંધારણીય જોગવાઇ મુજબ, ભાષાના ઉપયોગ મુદ્દે સુપ્રીમકોર્ટ કે હાઇકોર્ટની કોઇ ભૂમિકા જ નથી. ખુદ ગુજરાત બાર કાઉન્સીલે પણ આ વાતને ટેકો આપ્યો છે ત્યારે હાઇકોર્ટમાં માતૃભાષા ગુજરાતીને અધિકૃત રીતે અમલી બનાવવી જોઇએ. 

મોદી સહિતના મહાનુભાવોએ પણ ગુજરાતી ભાષાને લઇ ભલામણ કરી છે

અરજદાર પક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, ૨૦૧૪થી ૨૦૨૨ દરમ્યાન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપ્રીમકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એન.વી.રમન્ના, કેનદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો દ્વારા પણ ગુજરાત હાઇકોર્ટની પ્રોસીડીંગ્સમાં ગુજરાતી ભાષા લાગુ કરવા અંગે વિવિધ પ્રસંગો દરમ્યાન ભલામણ કરાયેલી છે.

Gujarat