શ્રાવણમાં સુરતીઓનો નવો ટ્રેન્ડ: શિવભક્તિ સાથે પ્રકૃતિના ખોળે પિકનિક, સોનગઢનું ગૌમુખ મહાદેવ બન્યું પ્રિય સ્થળ
Tapi Songadh Gaumukh Mahadev: ખાણીપીણી અને ફરવાના શોખીન સુરતીઓ માટે વીકએન્ડ એટલે સામાન્ય રીતે દમણ કે સાપુતારાની વન-ડે પિકનિક. પરંતુ શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ સુરતીઓના વીકએન્ડ પિકનિક સ્પોટ બદલાઈ જાય છે. શ્રાવણમાં શિવભક્તિ અને કુદરતી સૌંદર્ય માણવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં તાપી જિલ્લાના સોનગઢ નજીક આવેલું ગૌમુખ મહાદેવ મંદિર હવે માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ એક લોકપ્રિય કુદરતી ધામ તરીકે પણ ઉભરી આવ્યું છે.
ગૌમુખ મહાદેવ: શિવભક્તો અને પ્રકૃતિપ્રેમીઓનું સંગમસ્થાન
છેલ્લા કેટલાક વર્ષોથી સુરતીઓ માટે શ્રાવણ મહિનાના વીકએન્ડ એટલે શિવભક્તિ સાથે કુદરતના સાનિધ્યમાં દર્શન કરવાનું સ્થળ એટલે સોનગઢનું ગૌમુખ મહાદેવ મંદિર. આ પ્રાચીન મંદિરની નજીક જ આવેલો વરસાદી પાણીનો કુદરતી ધોધ શિવભક્તો અને સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
શ્રાવણ મહિનામાં સુરતીઓ વધુ ધાર્મિક બને છે. સોમવાર ઉપરાંત વીકએન્ડમાં તેઓ સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક શિવ મંદિરોમાં ભક્તિ માટે પહોંચી જાય છે. તેમાંથી તાપી જિલ્લાના સોનગઢથી અંદાજે 15 કિલોમીટરના અંતરે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલું ગૌમુખ મહાદેવ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
નાના-મોટા પર્વતો અને ગાઢ વનરાજી વચ્ચે ખોબે ખોબે કુદરતી સૌંદર્યથી ભરપૂર આ સ્થળ ચોમાસામાં વધુ દીપી ઉઠે છે. આ પૌરાણિક મંદિરમાં દર્શન કરનારાઓને કેટલીક વાતો આશ્ચર્યચકિત કરે છે. મંદિરની બહાર ગાયના મુખમાંથી એક જલધારા વહે છે, જેનું મીઠું પાણી થોડે દૂર જઈને પથ્થરોમાં અદૃશ્ય થઈ જાય છે. શિવભક્તો સાથે પ્રકૃતિપ્રેમીઓ પણ ગાઢ જંગલોની વચ્ચે બિરાજમાન મહાદેવજીના દર્શન કરીને અલૌકિક શાંતિનો અનુભવ કરે છે. માત્ર સુરતીઓ જ નહીં, પરંતુ મહારાષ્ટ્રથી પણ મોટી સંખ્યામાં ભક્તો અને સહેલાણીઓ અહીં ઉમટી પડે છે.
શિવભક્તિ સાથે વરસાદી ધોધનો અનોખો લ્હાવો
શિવભક્તિ સાથે પ્રકૃતિ દર્શન માટે સુરતીઓ સોનગઢના ગૌમુખ સહિત અનેક શિવ મંદિરોની મુલાકાત લે છે, પરંતુ ગૌમુખ મંદિર અને તેની તદ્દન નજીક આવેલો કુદરતી ધોધ સુરતીઓ માટે અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એક તરફ મંદિરમાં શિવજીની ભક્તિ સાથે ધાર્મિક વાતાવરણ સર્જાય છે, તો બીજી તરફ નાની ટેકરીઓ વચ્ચેથી પડતો વરસાદી ધોધ અદ્ભુત નજારો પૂરો પાડે છે.
વર્ષો પહેલાં આ ધોધ પર ટ્રેકિંગ જેવા રસ્તા પર જવાનું હતું, પરંતુ સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પગથિયાં બનાવ્યા છે. આ પગથિયાં ઉતરીને ધોધ જોતાં જ લોકો મોહિત થઈ જાય છે. નાના બાળકો પણ સરળતાથી ધોધમાં નાહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, સતત પાણી પડતું હોવાથી કેટલીક જગ્યાએ લીલ જામી ગઈ હોવાથી ધોધમાં નહાવા માટે સાવચેતી રાખવી જરૂરી છે.
પ્રવાસીઓના આગમનથી સ્થાનિકોને રોજગારીની તક
શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ સુરતીઓ શિવભક્તિ માટે દક્ષિણ ગુજરાતના વિવિધ શિવ મંદિરોમાં દર્શન કરવા પહોંચી જાય છે. છેલ્લા કેટલાક સમયથી શ્રાવણ માસમાં શનિ-રવિ અને સોમવારે સોનગઢ નજીકનું ગૌમુખ મંદિર શ્રદ્ધાળુ સુરતીઓ માટે શિવભક્તિ સાથે પ્રકૃતિનો આનંદ માણવાનું અને ધોધમાં સ્નાન કરવાનું પ્રિય સ્થળ બન્યું છે.
મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે સ્થાનિકો માટે રોજગારીની અનેક નવી તકો ઊભી થઈ છે. અહીં સ્થાનિકો દ્વારા ખાણી-પીણીની અનેક દુકાનો શરૂ કરવામાં આવી છે, જેનાથી તેમને સારી આવક થઈ રહી છે. આ ઉપરાંત, કેટલાક લોકો શાકભાજીનું પણ વેચાણ કરે છે, જેનાથી તેમને સીધા ગ્રાહક મળી રહે છે અને પ્રવાસીઓને પણ ઓર્ગેનિક શાકભાજી મળી રહે છે. આ રીતે, ગૌમુખ મહાદેવ મંદિર માત્ર ધાર્મિક અને પ્રવાસન સ્થળ જ નહીં, પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.