આણંદમાં ખાડાંરાજ : ખાડાંના ફોટા સ્ટ્રેચર પર મનપા કચેરીએ લાવી અનોખો વિરોધ
- શહેરમાં 15 દિવસથી ખાડાં પડતાં લોકો લાચાર, તંત્રના આંખ આડા કાન
- શહેરના મોટાભાગના માર્ગો ચાલવા લાયક પણ ન હોવાથી લોકોએ ખાડાંનું પૂજન કરી શ્રીફળ વધેર્યું : પાણી અને ગટરના ખોદકામના લીધે સોસાયટીઓમાંથી નીકળવું મુશ્કેલ બન્યું
આણંદમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં જ આખા શહેરના રસ્તા પાણીમાં ગરકાવ થઈ જાય છે. પાણી નિકાલની સમસ્યાઓ હજુ અટકી નથી. ત્યારે હવે શહેરના મોટાભાગના રોડ ઉપર બે ફૂટથી વધુ પહોળા અને ઊંડા ખાડાઓ જોવા મળી રહ્યા છે. આણંદ શહેરના મોટાભાગના રોડ ઉપર ખાડાં, કપચી ઉખડી જવાથી અને માટી પથરાઈ જતા બિસ્માર બન્યા છે. વરસાદી પાણી ભરાતા ખાડો અને રસ્તો પણ જોવા મળતો નથી. આણંદ શહેરની મોટાભાગની સોસાયટીઓમાં હાલ ગટર અને પાણીની લાઈન માટે ખોદકામના કામો શરૂ કરાયા હોવાથી વરસાદમાં આવવા- જવાના રસ્તાની સમસ્યા સાથે મુખ્ય રોડ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. ત્યારે હવે શહેરના નગરજનોએ મહાનગરપાલિકા તંત્રનો વિરોધ કરવા નવા કાર્યક્રમો યોજવાનું શરૂ કર્યું છે. ગતરોજ ખાડાંઓની ફરતે કંકુનું વર્તૂળ, પૂજન અને શ્રીફળ વધેરી વિરોધ વ્યક્ત કરાયો હતો. ત્યારે આજે પાદરિયા તુલસી ગરનાળા વિસ્તારના રહીશો ખાડાંના ફોટાઓને સ્ટ્રેચર પર આણંદ મનપા કચેરીએ લઈ જવાયા હતા. જ્યાં ખાડાંઓને સારવાર માટે દાખલ કરવાની માંગણી કરી અનોખી રીતે તંત્ર સામે વિરોધ દર્શાવાયો હતો.
આણંદની જનતા શહેરમાં ખાડાંરાજને કારણે ત્રાસી ગઈ છે. તત્કાલિન પાલિકાએ ગત વર્ષે ઉતાવળે નિર્ણય લઈ અંદાજે ૪ કરોડના ખર્ચે રિસર્ફેસિંગનું કામ આપી દીધું હતું. ત્યારે કોન્ટ્રાક્ટરોએ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરતા વર્ષમાં રોડ તૂટી ગયા છે.
ખાડાં પૂરવાનું ચાલુ છે, વરસાદ બંધ થાય પછી નવેસરથી રોડનું આયોજન : ડે. કમિશનર
આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે જણાવ્યું છે કે, હાલ વરસાદને કારણે રોડ તૂટી જવાની ઘટનાઓ થવા પામી છે. ગટર અને પાણીના કામો ચાલતા હોવાથી રોડ ખોદવામાં આવેલા છે પરંતુ, મહાપાલિકા દ્વારા ખાડા પુરવાનું કામ ચાલુ છે અને વહેલી તકે મોટાભાગના રોડના ખાડા પૂરી દેવામાં આવશે. વરસાદ બંધ થાય એટલે તૂટી ગયેલા રોડ નવેસરથી બનાવવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે.
આણંદ શહેરમાં ક્યાં ક્યાં ખાડાંના લીધે રોડ બિસ્માર બન્યા ?
આણંદ શહેરના ટાઉનહોલથી વિદ્યાનગર, તુલસી ગરનાળુ, પાદરીયા રોડ, ગેડથી ભાલેજ ચોકડી, ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી, ૮૦ ફૂટ રોડ, નાની અને મોટી ખોડિયાર, લક્ષ્મી સિનેમા, જૂની કલ્પના ટોકીઝ, કપાસિયા બજાર સહિત શહેરના મોટાભાગના રોડ બિસ્માર બન્યા છે.