Get The App

જૂનાગઢ જિ.પં.ની વેબસાઇટ પર હજુ પણ પૂર્વ હોદ્દેદારોના ફોટા યથાવત

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
જૂનાગઢ જિ.પં.ની વેબસાઇટ પર હજુ પણ પૂર્વ હોદ્દેદારોના ફોટા યથાવત 1 - image

ખુદ સરકારી તંત્ર દ્વારા જ ચૂંટણી પંચના આદેશોના લીરેલીરા : આદર્શ આચારસંહિતાના કડક અમલના દાવાઓ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી,: હોદ્દેદારોની મુદ્દત પુરી થઈ ગઈ તેને પણ દિવસો થઈ ગયા

 જૂનાગઢ, : ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓનું જાહેરનામંા પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓનો જંગ જામ્યો છે. તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરવામાં આવી રહ્યો હોવાના મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે.

ચૂંટણી જાહેર થતાની સાથે જ સરકારી મિલકતો, બોર્ડ-બેનરો અને સરકારી વેબસાઇટ્સ પરથી રાજકીય હોદ્દેદારોના ફોટા અને નામો હટાવવાનો કડક નિયમ છે. આમ છતાં જૂનાગઢ જિલ્લા પંચાયતની સત્તાવાર વેબસાઇટ પર હજુ પણ જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લાની નવ તાલુકા પંચાયતોના પૂર્વ પ્રમુખોના ફોટા અને વિગતો યથાવત જોવા મળી રહી છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ તમામ હોદ્દેદારોની મુદત પૂરી થયે ઘણો સમય વીતી ગયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા તેને અપડેટ કરવાની તસ્દી લેવામાં આવી નથી.

જ્યારે ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે ત્યારે ટેકનોલોજીના યુગમાં વેબસાઇટ પરથી આ વિગતો કેમ હટાવવામાં આવી નથી ? શું વહીવટી તંત્ર પૂર્વ હોદ્દેદારોના પ્રચાર માટે પરોક્ષ રીતે મદદ કરી રહ્યું છે ? આચારસંહિતાના અમલ માટે બનેલી નોડલ ટીમો આ ગંભીર બેદરકારી કેમ નજરઅંદાજ કરી રહી છે ? તેવા સવાલો ઉઠયા છે. સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે કે એક તરફ તંત્ર સામાન્ય જનતા કે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા નાનામાં નાના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી કરે છે ત્યારે બીજી તરફ પોતાની જ સત્તાવાર ડિજિટલ પ્લેટફોર્મ પર આ પ્રકારની ક્ષતિ કેમ રહી જાય છે ? પૂર્વ હોદ્દેદારોના નામો હજુ પણ સરકારી પોર્ટલ પર હોવાથી મતદારોમાં ભ્રમ પેદા થઈ શકે છે જે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાના સિધ્ધાંતોની વિરૂધ્ધ છે.