ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરનાં મનથી લઈને હૃદય સુધીની બાયોગ્રાફી
આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ : ઈ. સ. 1839માં જીપ્સે અને ડાગુરે નામનાં વૈજ્ઞાાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી : વર્ષો પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા જોઈ પરિવાર આનંદની અનુભૂતિ કરતો
ભુજ,/રાજકોટ : 19 ઓગષ્ટ, 1939નાં દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દર વર્ષે 19 ઓગષ્ટનાં દિવસને વિશ્વ ફોટોગ્રાફી દિન તરીકે ઉજવવામાં આવે છે. ઈ. સ. 1839માં જીપ્સે અને ડાગુરે નામનાં વૈજ્ઞાાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, બોકસ કેમેરા અને આજનાં અતિ આધુનિક ડીજીટલ કેમેરા સુધીની વિકાસયાત્રા અવિરત રહી છે.
ઈ. સ. 1558માં આ ગીસોવાનાં બાટીસ્ટા ડલાપાર્તા નામનાં વ્યક્તિએ અંધારાવાળું નાના કાણાં વાળું બોક્સ બનાવ્યું. જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું ત્યારબાદ ઈ. સ. 1826માં ફિલ્મની શોધ થઇ. 1839માં અમેરિકન વૈજ્ઞાાનિક જ્યોર્જ ઈસ્ટમેને કંપનીની સ્થાપના કરી અને બોક્સ કેમેરા વિશ્વ બજારમાં મુકયો. કેમેરાનાં લેન્સની શોધ થતા જ આજે અતિ આધુનિકથી લઈને સરળ કેમેરા પણ અસ્તિત્વમાં આવ્યા છે. આજે તો ડીજીટલ લેબ શરૂ કરી રોલ પ્રોસેસિંગ માટેની લેબ દ્વારા લોકોને ઝડપથી, સુલભ અને મનપસંદ સ્ટાઇલની વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે. આમ, માનવીની ઈચ્છાશક્તિનેવિજ્ઞાાનને આસમાને પહોચાડનાર ફોટોગ્રાફી કલાને વંદનનો દિવસ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ.
પહેલાનાં સમયમાં જ્યુજ જોવા મળતા કેમેરા આજે બે વર્ષનાં બાળકથી લઈને વૃદ્ધ થયેલા વ્યક્તિનાં હાથમાં પણ મોબાઈલ સ્વરૂપે જોવા મળે છે. લોકો જે જુએ છે, જાણે છે તેને કાયમ કેદ કરવા મથે છે અને માણસનાં મનની આ જ આદતે તેને કેમેરાનો આદિ બનાવી મૂકી છે.. મોબાઈલ પણ ઊંધાં ફેરવીને મોટા ભાગે પોતાનાં જ ફોટા પાડનારા વ્યક્તિઓ માટે તેમની ડીમાંડ સમજીને મોબાઈલ કંપનીઓએ સેલ્ફી સીસ્ટમ પણ લાવી, પરંતુ આ નવી અજાયબીથી અંજાઈ ગયેલો યુવા વર્ગ કેટકેટલાં ખતરનાક કારનામાનો કરે છે જેનાં સંભારણા રોજ રોજ છાપામાં જોવા મળે છે. મનુષ્યનું મન જ યાદોનું પ્રતિબિંબ છે. જેટલું મનુષ્ય તેનાં મનમાં સાચવી શકે છે તેટલું કદાચ તસવીરોમાં કેદ નહીં જ થઈ શકતું હોય. જો સમજતા આવડે તો ફોટોગ્રાફી એક એવી કળા છે જે માણસનાં મન અને હ્રદયની મનોકામનાઓ, તેનાં સ્વભાવ અને ખાસ કરીને તેનાં વિચારોનો તસ્વીર થકી પડઘો પાડે છે.ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરનાં મનથી લઈને હ્રદય સુધીની બાયોગ્રાફી સમાન છે.