Gujarat

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ

By GS TEAM
30 Apr 20263 mins read
TukuTouch Logo
જાહેર આરોગ્યના હિતમાં અને નશાકારક દવાઓના દુરુપયોગને રોકવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પુનરાવર્તિત ગુના આચરતી પેઢી સામે લાલબત્તી ધરી કડક વહીવટી પગલાં લેવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં મે.હેમ કેર ફાર્મા દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદે વેપલો : પરવાનો રદ

Vadodara : જાહેર આરોગ્યના હિતમાં અને નશાકારક દવાઓના દુરુપયોગને રોકવા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પુનરાવર્તિત ગુના આચરતી પેઢી સામે લાલબત્તી ધરી કડક વહીવટી પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મે.હેમ કેર ફાર્મા, ટીપી 4, ભાયલીના પરવાનેદાર પ્રતિકકુમાર એન.બારોટ કે જેઓ દવાના પરવાના ફોર્મ-20બી/21બી અને 20જી હોલસેલ પરવાના ધરાવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના જથ્થાબંધ દવાના વેપારી દ્વારા નશાખોરીને પ્રોત્સાહન આપવા માટે આચરવામાં આવેલા મોટા કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ પર્દાફાશ કર્યો છે.

મે.રાજ ફાર્મા અને પવન એજન્સી, અમદાવાદ સાથેના વ્યવહારોની તપાસ દરમિયાન પરવાનેદાર પ્રતિક નરેન્દ્રકુમાર બારોટ દ્વારા હજારોની સંખ્યામાં નશાકારક કફ સીરપનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પરવાનેદારે છેલ્લા ત્રણ માસમાં અમદાવાદની મે.પવન એજન્સી પાસેથી કોડીન (Codeine) ઘટક ધરાવતી કફ સીરપની કુલ 8,530 બોટલની ખરીદી કરી હતી. તપાસ દરમિયાન પેઢી પર દવાનો કોઈ જ સ્ટોક ઉપલબ્ધ ન હતો. કુલ જથ્થામાંથી માત્ર 4,870 બોટલના જ વેચાણ બિલો મળી આવ્યા હતા. બાકી રહેલી 980 બોટલો (બેચ નંબર: AL-6917, AL-7007 અને AL-7029) પરવાનેદારે કોઈ પણ બિલ વગર કે પ્રિસ્ક્રિપ્શન વગર અજાણ્યા વ્યક્તિઓને વેચી દીધી હોવાનું સાબિત થયું છે. કોડીન ઘટક કફ સીરપનો નશા તરીકે ઉપયોગમાં લેવાથી આ સીરપના ઓવર ડોઝથી ગંભીર ડિપ્રેશન આવી શકે છે તથા શ્વાઓ શ્વાસમાં તકલીફ થઈ શકે છે, ક્યારેક કંઝપ્શન કરનાર વ્યકિત કોમામાં સરી પડે છે અને હર્દયને ધીમું પાડે છે. તેથી હાર્ટ અટેકની તકો વધી જાય છે. આ દવાનો વધુ પડતો ડોઝ લેવો જીવલેણ (Fatal Side Effects) સાબિત થઈ શકે છે. 

તપાસના અંતે સદર પેઢી દ્વારા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ-1940ના નિયમોનું ઉલ્લંઘન બદલ કચેરી દ્વારા તા.02-04-2026ના રોજ પરવાનેદારને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે, પરવાનેદાર દ્વારા રજૂ કરવામાં આવેલ જવાબ બિલકુલ સંતોષકારક ન જણાતા અને ગુનાની ગંભીરતા જોતા પેઢીના હોલસેલ પરવાના (ફોર્મ:20બી, 21બી અને 20જી) જાહેર હિતમાં તાત્કાલિક અસરથી કાયમી ધોરણે રદ કરવામાં આવેલ છે. પરવાનેદારે પોતાને ફાળવેલ જથ્થાબંધ વેચાણના પરવાનાનો માત્ર આર્થિક લાભ માટે નહીં, પરંતુ નશાખોરીને ઈરાદાપૂર્વક પ્રોત્સાહન આપવા માટે કર્યું છે. આ પ્રકારની બેદરકારી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ જાહેર આરોગ્ય માટે અત્યંત નુકસાનકારક છે. સમાજના યુવાધન અને જાહેર આરોગ્યને જોખમમાં મુકવાનું કૃત્ય કર્યું છે.

તંત્ર દ્વારા નાગરીકોને અપીલ કરવામાં આવી છે કે આ કાર્યવાહી દ્વારા તંત્ર તમામ મેડિકલ સ્ટોર અને ફાર્માસિસ્ટોને કાયદાકીય મર્યાદામાં રહીને વ્યવસાય કરવા અને નશીલી દવાઓના વેચાણના દુરુપયોગથી દૂર રહેવા કડક સૂચના આપે છે અને માત્રને માત્ર નશાકારક દવાઓ વેચતા મેડિકલ સ્ટોરની બાતમી આપવા જાહેર જનતાને જાણાવવામાં આવે છે. જેથી કરી સમાજના યુવાધન અને જાહેર આરોગ્યને જોખમમાં મુકનાર સામે કાયદાકીય પગલાં લઈ શકાય છે તેમ તપાસ અધિકારી એચ.એમ.જેપાલ, ઔષધ નિરીક્ષક અને સુપર વિઝન અધિકારી ડૉ.એ.એચ.ઝાલા, મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.