256 સબ ડિવિઝનમાં ફોલ્ટ રિપેરિંગ માટે ગુડગાઁવની કંપની સાથે એગ્રિમેન્ટ : રાજકોટના વાવડી વિસ્તારમાં ખાનગી કંપનીના 320 કર્મચારીઓ કસ્ટમર કેર સેન્ટરનું કામ કરી શકે તે માટે જગ્યાની ફાળવણી : 3 ડિસે.થી ફોલ્ટ રિપેરિંગ ખાનગી કંપનીના હાથમાં
રાજકોટ, : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના 256 સબ ડિવિઝનમાં વીજ ફોલ્ટ નિવારવાની કામગીરીનું અંતે ખાનગીકરણ કરવાની દિશામાં આગેકૂચ થઇ રહી હોય તેમ હરિયાણાના ગુડગાઁવની સાંઢા એન્ડ કુાં સાથે એગ્રીમેન્ટ થતાં તા. 3 ડિસે. 2025થી સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ડિવિઝન ઉપરાંત કસ્ટમર કેર સેન્ટરના સંચાલન સહિતની જવાબદારી ખાનગી કંપની સંભાળશે.
ગુજરાતમાં મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડમાં વીજ ફોલ્ટ નિવારણની કામગીરીનું ખાનગીકરણ કરવામાં આવ્યા પછી બીજા ક્રમે પશ્ચિમ ગુજરાત વીજ કંપની આગળ વધી રહી હોય તેમ ગુરગાઁવની ખાનગી કંપનીના કસ્ટમર કેર સેન્ટર માટે વાવડી વિસ્તારમાં જગ્યા ભાડે રાખી તેનો હવાલો PGVCL દ્વારા ખાનગી કંપનીને સોંપી દેવામાં આવ્યો છે. દરેક સબડિવિઝનમાં 3-3 કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક વીજ ફોલ્ટ નિવારણનું કામ સંભાળશે. 3 કર્મચારીઓ વધારવાના સ્ટાફ તરીકે હાજર રહેશે. કસ્ટમર કેર સેન્ટરમાં 320 માણસોનો સ્ટાફ કામ કરશે.
પ્રતિ વર્ષ રૂા.9,06,85,596 જેવી રકમ 3 વર્ષ સુધી ખાનગી કંપનીને ચુકવવામાં આવશે. એગ્રીમેન્ટ મુજબ ખાનગી કંપનીની કાર્યક્ષમતાને ધ્યાને લઇ એક વર્ષથી વધુ મુદત માટે કામગીરીનાં કોન્ટ્રાક્ટની મુદત લંબાવી શકાશે. ખાનગી કંપનીને 3 સપ્ટે.ના જગ્યા ફાળવી દીધી હોવાથી 90 દિવસની મર્યાદામાં ફોલ્ટ નિવારણની કામગીરી સંભાળવાની રહેશે.
સુત્રોના જણાવ્યા મુજબ અત્યારે દરેક સબ ડિવિઝનમાં સરેરાશ 20 થી 24 કલાર્ક ફરજ બજાવી રહ્યા છે. જેઓની મુખ્યત્વે કામગીરી વીજફોલ્ટ એટેન્ડ કરવાની છે તેમાંથી 1-1 લાઇનમેન સુપર વાઇઝર તરીકે ફરજ બજાવશે. બાકીના લાઇનમેનને અન્યત્ર કામગીરી સોંપવામાં આવશે. ટૂંકમાં વીજ ફોલ્ટ નિવારણની કામગીરીમાંથી PGVCLએ હાથ ખંખેરી લેતા હવે ટૂંક સમયમાં ખાનગી કંપનીના કર્મચારીઓ ફોલ્ટ નિવારણનું કામ સંભાળશે.


