PGVCL And Amreli Police Action: રાજ્ય પોલીસ વડા દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેને લઇને સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 113 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. ત્યારે અમરેલીમાં અસામાજિક તત્ત્વોના ઘરે જઇને પોલીસે PGVCLની ટીમ રાખીને કડક કાર્યવાહી હાથ ધરી છે. PGVCLની ગેરકાયદે વીજ જોડાણો કાપી દંડની વસુલાત કરી હતી.
SP સંજય ખરાતની સીધી દેખરેખ હેઠળ ગુન્હેગારોના ઘર શોધી કાઢી અમરેલીના ખાંભાના કોટડા,નાની ધારી,મોટા બારમણમાં દરોડા પાડ્યા હતા. સામાજિક તત્ત્વોના ઘરે જઈને ગેરકાયદેસર વિજ જોડાણ ધરાવતા 6 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને વિજ જોડાણ કાપી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહી ગેરકાયદેસર કનેકશન જોડાણ ધરાવતા અસામાજિક તત્ત્વોને 4,75,000નો વીજ વિભાગએ દંડ ફટકાર્યો હતો. ગુનેગારોની શાન ઠેકાણે પાડવા પોલીસ અને વીજ વિભાગની કડક કાર્યવાહીથી અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: અમરેલીના રાજુલામાં સિંગર બનાવવાની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ, પરિવારજનોને આપી ધમકી
રાજ્યભરમાં ડીમોલેશનની કાર્યવાહી
અમદવાદ, ભાવનગર, વડોદરાના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે. ત્યારે જામનગરમાં એસ્ટેટ વિભાગ અને પોલીસ બંદોબસ્ત સાથે કાલાવાડ નાક નજીક ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરશે. વડોદરા શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામેની ઝુંબેશ બુધવારે બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી અને કુલ 2 હજારથી વધુ લોકોને તપાસવામાં આવ્યા હતા. પોલીસે આજે પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 21 કેસ કર્યા હતા અને 109 વાહનો ડીટેન કર્યા હતા. ગોરવા વિસ્તારમાં ચંદ્રસિંહ નામના શખ્સ સામે દારૂના ધંધા અંગેના અડધો ડઝન જેટલા કેસ કરવામાં આવ્યા હતા. આ માટે ગેરકાયદે બનાવેલા કાચા મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળતાં આ મકાન પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
શું કાર્યવાહી થઇ?
સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ, કુલ 59 લોકો સામે પાસા કરેલ છે, 10 ઇસમો વિરુદ્ધ હદપાર કરી છે. 724 ઇસમો વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. 16 ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરાયા છે. 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયા છે. આગામી સમયમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડીમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાશે.
રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત ગુનો કરનાર, 958 મિલકત સંબંધિત ગુનો કરનાર, 516 જુગારીયા અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.


