મકાનના સોદાના ઝઘડામાં પેટ્રોલપંપ ચલાવતા વેપારીની સામે રિવોલ્વર તાકી મારી નાંખવાની ધમકી
વેચાણ કરેલું મકાન પરત લેવા માટે પેટ્રોલ પંપ ચલાવતા વેપારીના ઘરે જઇ તેમના દૂરના સંબંધીએ વેપારી સામે રિવોલ્વર તાકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ વેપારીની પત્ની સાથે પણ ખરાબ વર્તન કર્યુ હતું.
પેટ્રોલ પંપ ચલાવતા વેપારીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું તથા મારી પત્ની ઘરે હતા. બપોરે ત્રણ વાગ્યે અમારા દૂરના સગા મહેન્દ્રસિંહ ઓરિયા (રહે. ગામ વાવડી,તા. રાજપીપળા, જિ. નર્મદા) તથા તેમની સાથે એક અન્ય વ્યક્તિ ઘરે આવ્યા હતા. મહેન્દ્રસિંહે અચાનક મારી પત્નીને છાતીના ભાગે ધક્કો મારી દીધો હતો અને મને કહ્યંું કે,તારે મારો ફ્લેટ મને પાછો આપવાનો છે કે નહીં ? બંનેએ મને ગાળો બોલી ઝપાઝપી કરી હતી. મારા પત્ની છોડાવવા વચ્ચે પડતા તેઓ મારા રૃમમાંથી બહાર નીકળી ગયા હતા. મારા ઘરની આગળ ઉભેલી એક કારમાં બેઠેલા વ્યક્તિ પાસેથી મહેન્દ્રસિંહે રિવોલ્વર લઇ મારી સામે તાકી આજે તને મારી નાંખવાનો છે. તેવી ધમકી આપી હતી. મેં મારા મોબાઇલથી વીડિયો ઉતારવા જતા મહેન્દ્રસિંહને રિવોલ્વર આપનાર વ્યક્તિએ મારા હાથમાંથી મોબાઇલ ફોન છીનવી લીધો હતો. નજીકમાં રહેતા મારા બહેન અને બનેવી આવી જતા મહેન્દ્રસિંહ અને તેની સાથે આવેલા બે વ્યક્તિઓ કારમાં બેસીને જતા રહ્યા હતા.
મહેન્દ્રસિંહનું માંજલપુર સહજાનંદ હાઇરાઇઝમાં આવેલું મકાન મેં ખરીદ કર્યુ હતું. તેના પૈસા પણ ચૂકવી દીધા છે અને દસ્તાવેજ પણ મારા નામે થઇ ગયો છે. આ મકાન તેઓને પરત જોઇતું હોવાથી તેઓ મારા પર અવાર-નવાર દબાણ કરે છે.