પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ઝેર પીને વતન દાહોદ જતા સમયે રસ્તામાં તબિયત બગડતા સમગ્ર પરિવાર સીધો સયાજી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયો
વડોદરા, ગોરવા વિસ્તારમાં રહેતા પેટ્રોલ પમ્પના માલિકના આખા પરિવારે ઝેર ગટગટાવીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેઓની તબિયત બગડતા જાતે જ કાર લઇને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઇ ગયા હતા. હાલમાં તેઓની હાલત સ્થિર છે. પ્રાથમિક તપાસ દરમિયાન વેપારીને ૬ કરોડનું દેવું થઇ જતા જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હોવાનું બહાર આવ્યું છે.
ે પેટ્રોલ પંપ ચલાવતા વેપારીએ ગઇકાલે સાંજે ૪ વાગ્યે પોતાના ઘરે પરિવાર સાથે ઝેર ગટગટાવી લીધું હતું. સાંજે સાડા સાત વાગ્યે તેઓ કાર લઇને પરિવાર સાથે વતન દાહોદના સુખસર ગામે જવા નીકળ્યા હતા. જરોદ પહોંચતા જ પરિવારની તબિયત બગડતા પરિવારના મોભી કારનો યુ ટર્ન લઇને પરત વડોદરા ફર્યા હતા. તેઓ સીધા જ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ડોક્ટર સમક્ષ સામૂહિક આપઘાતની વાત કરતા જ ડોક્ટર દ્વારા બાવન વર્ષના વેપારી, તેમના ૪૯ વર્ષના પત્ની, ૨૩ વર્ષના માનસિક અસ્વસ્થ પુત્ર, ૧૭ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્રની સારવાર શરૃ કરવામાં આવી હતી. ઘટનાની જાણ જવાહર નગર પોલીસને કરવામાં આવતા પી.આઇ. જે.એન.પરમાર અને સ્ટાફ તરત જ હોસ્પિટલમાં દોડી ગયા હતા. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, પેટ્રોલ પંપ બરાબર ચાલતો નહીં હોવાથી વેપારીને રૃ.૬ કરોડનું દેવું થઇ ગયું હતું. જેના કારણે તેઓ સતત ટેન્શનમાં રહેતા પત્ની સાથે વાત કરીને તેઓએ સપરિવાર જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. હાલમાં પરિવારનું ઘર બંધ હોઇ હજી ઘરમાં કોઇ તપાસ થઇ શકી નથી. ઘરમાંથી સ્યૂસાઇડ નોટ મળવાની શક્યતા છે. પોલીસ દ્વારા મોબાઇલ ફોનની પણ તપાસ કરવામાં આવશે. અત્યારસુધીની તપાસમાં નાણાંની ઉઘરાણી કે અન્ય કોઇ ત્રાસની વિગતો બહાર આવી નથી.
૧૮ વર્ષથી પેટ્રોલ પંપ ચલાવતા વેપારી કહે છે કે, અમારી મરજીથી દવા પી લીધી
વડોદરા,
આપઘાત કરનાર પરિવારના મોભીએ જણાવ્યું હતું કે, હું વર્ષ ૨૦૦૭ થી પેટ્રોલ પંપ ચલાવતો હતો. પરંતુ, છેલ્લા ઘણા સમયથી ધંધો બરાબર ચાલતો નહતો. જેના કારણે મેં બેન્કમાંથી લોનો લીધી છે તેમજ બહારથી પણ રૃપિયા લીધા છે. પરંતુ, ધંધો બરાબર ચાલતો નહી હોવાથી હું મૂંઝવણમાં હતો. જેથી, મેં પરિવાર સાથે ઝેરી દવા પી લીધી હતી. અમે બધાએ કોઇના ત્રાસથી નહીં પણ જાતે અમારી મરજીથી જ ઝેરી દવા પી લીધી હતી. આ દવા પીવા પાછળ અમે પોતે જ જવાબદાર છીએ.
એક વર્ષથી પરિવારના મોભીએ આપઘાત કરવા માટે ઝેરી દવા લઇને મૂકી રાખી હતી
વડોદરા,
પેટ્રોલ પંપ ચલાવતા વેપારી છેલ્લા એક વર્ષથી સતત માનસિક તાણમાં હતા. તેઓએ એક વર્ષ પહેલા જ ઝેરી દવા બજારમાંથી ખરીદી હતી. પરિવાર છેલ્લા એક વર્ષથી આપઘાતનો વિચાર કરતો હતો. પેટ્રોલ પંપ ચલાવતા વેપારીએ અલગ - અલગ બેંકમાંથી અંદાજે ત્રણ કરોડની લોન લીધી હતી. પરંતુ, ધંધો બરાબર ચાલતો નહીં હોવાથી બહારથી ખાનગી ફાઇનાન્સર પાસેથી પણ રૃપિયા લીધા હતા.
..પિતાએ જાતે જ સંતાનોને પ્રસાદીનું જળ હોવાનું કહી પાણીમાં ઝેરી દવા ભેળવી પીવડાવી દીધી
વડોદરા,
પેટ્રોલપંપના માલિકના લગ્ન વર્ષ ૨૦૦૪ માં થયા હતા. તેમના પત્ની હાઉસ વાઇફ છે. ૨૩ વર્ષનો મોટો પુત્ર માનસિક અસ્વસ્થ છે. તેણે ધો. ૯ સુધી અભ્યાસ કર્યો છે. તેમની ૧૭ વર્ષની પુત્રી બી.એસસી.માં અભ્યાસ કરે છે. જ્યારે સૌથી નાનો પાંચ વર્ષનો પુત્ર નર્સરીમાં છે. પરિવારના મોભીએ ગ્લાસમાં પાણી કાઢી તેમાં ઝેરી દવા ભેળવી પ્રસાદીનું જળ છે. તેવું કહીને પરિવારના સભ્યોને પીવડાવી દીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પેટ્રોલિયમ કંપનીને ચૂકવવાના ૬૦ લાખ પણ વેપારી પાસે નહતા
વડોદરા,
પોલીસની તપાસમાં એવી વિગતો પણ જાણવા મળી છે કે, પેટ્રોલ પંપ ચલાવવા માટે પેટ્રોલિયમ કંપનીમાંથી લીધેલા ડીઝલ અને પેટ્રોલના જથ્થાના રૃપિયા ચૂકવવાની પણ વ્યવસ્થા માલિક પાસે થઇ નહતી.છેલ્લા કેટલાક સમયથી કંપનીને જ ૬૦ લાખ ચૂકવવાના હતા. આ રૃપિયા પણ તેઓ ચૂકવી શક્યા નહતા. જેથી, માનસિક તાણમાં આવીને સમગ્ર પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અમે અમારા બાળકોને પણ સાથે લઇ જઇએ તે વિચારથી સાથે દવા પી લીધી
વડોદરા,
સયાજી હોસ્પિટલમાં સારવાર લેતી મહિલાએ જણાવ્યું હતું કે, અમે એકલા બાળકોને શા માટે રાખીએ ? અમારા બાળકો છે.તેઓને પણ અમે અમારી સાથે લઇ જઇએ તેવું વિચાર્યુ હતું. ફરીથી આપઘાતનો પ્રયાસ કરશો કે નહીં ? તે અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ભગવાનને ખબર. સમય જ બતાવશે.
વેપારીની પત્ની કહે છે કે, નણંદોઇએ અમને ઘણી મદદ કરી હતી
વડોદરા,
વેપારીએ કઇ બેંકમાંથી ક્યારે કેટલા રૃપિયાની લોન લીધી હતી અને કેટલા રૃપિયા ભરપાઇ કરવાના બાકી હતા. તેની વિગતો પોલીસ મેળવી રહી છે. વધુમાં પરિવારના અન્ય સગાઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. પેટ્રોલ પંપના માલિકના પત્નીએ કહ્યું હતું કે, અમારા નણંદોઇએ અમને ઘણી મદદ કરી હતી.
ફરીથી આપઘાતનો પ્રયાસ ના કરે તે માટે કાઉન્સેલિંગ કરાશે
વડોદરા,
સયાજી હોસ્પિટલમાં પરિવારના તમામ સભ્યોને અલગ - અલગ વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું છે કે, મોડીસાંજે બાળકોને રજા આપી દેવામાં આવી હતી. જ્યારે દંપતી હજી સારવાર હેઠળ છે. પરિવાર ફરીથી આપઘાતનો પ્રયાસ ના કરે તે માટે તેઓનું કાઉન્સેલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે.