Get The App

પેટલાદ નગરપાલિકાનું 86 લાખની પુરાંતવાળું 65 કરોડનું બજેટ મંજૂર

Updated: Feb 28th, 2025

GS TEAM


Google News
Google News
પેટલાદ નગરપાલિકાનું 86 લાખની પુરાંતવાળું 65 કરોડનું બજેટ મંજૂર 1 - image


નાણાકીય વર્ષ 2025-26માં કોઈ નવો વેરો દાખલ કરાયો નથી કે વધારાયો નથી

65 કરોડ સ્વભંડોળની સામે 64 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ : 36.85 કરોડની ગ્રાન્ટમાંથી વિકાસ કામો કરાશે

આણંદ: પેટલાદ નગરપાલિકામાં શુક્રવારે નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.૮૬ લાખની પુરાંતવાળા રૂ.૬૫ કરોડના બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૬૫ કરોડ સ્વભંડોળની સામે રૂ. ૬૪ કરોડ જેટલો ખર્ચ થવા પાત્ર છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ થકી રોડ રીસર્ફેસિંગ, આઈકોનિક રોડ, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ સહિતના કામો હાથ ધરવામાં આવશે. 

પેટલાદ પાલિકામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પાલિકામાં રૂ.૪૬ કરોડની આવક થવા પાત્ર છે. જ્યારે ઉઘડતી સિલક ૧૯ કરોડ છે. જ્યારે નાણાંકીય વર્ષ દરમિયાન રૂ. ૬૪ કરોડ જેટલો ખર્ચ થવા પાત્ર છે. ત્યારે પાલિકામાં રૂ.૮૬ લાખની પુરાંત રહેશે. 

ચાલુ વર્ષ દરમિયાન પાલિકામાં રૂ. ૪.૦૭ કરોડ કરવેરાની આવક થવાનો અંદાજ છે. નોંધનીય છે કે, કોઈ વેરા વધારવામાં આવ્યા નથી કે નવો કોઈ વેરો દાખલ કરવામાં આવ્યો નથી. ઉપરાંત વિવિધ ગ્રાન્ટ સ્વરૂપે ૩૬.૮૫ કરોડ મળવાનો અંદાજ છે. 

જેમાં રોડ રીસર્ફેસિંગ માટે રૂ. ૮૦ લાખ, યુડીપી-૮૮ હેઠળ રૂ.૪ કરોડ, ૧૫માં નાણાપંચ હેઠળ રૂ.૧ કરોડ, લગસી વેસ્ટ માટે રૂ. ૧.૫૦ કરોડ, આઈકોનિક રોડ માટે રૂ.૨૫ લાખ, ટાઉન હોલ માટે રૂ. ૬.૫૦ કરોડ, આઉટ ગ્રોથ ગ્રાન્ટ રૂ. ૬ કરોડ, એસબીએમની જૂદી જૂદી ૧.૬૫ કરોડની ગ્રાન્ટ સરકાર તરફથી મળવાનો અંદાજ છે. ઉપરાંત અન્ય પરચુરણ આવક થશે. 

જેમાંથી વર્ષ દરમિયાન પગાર ખર્ચ રૂ. ૧.૭૦ કરોડ, હક રજાના રૂ. ૪૫ લાખ, ગ્રેચ્યુઈટી રૂ. ૫૫ લાખ થવાનો અંદાજ છે. તેમજ વર્ષ દરમિયાન રૂ. ૪૩.૭૩ કરોડની ગ્રાન્ટ રોડ રીસર્ફેસિંગ, યુડીપી-૮૮, લેગસી વેસ્ટ, આઈકોનિક રોડ, આગવી ઓળખ સહિતના જૂદા જૂદા વિકાસના કામોમાં ખર્ચ થશે. ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, સેનેટરી પાછળ ખર્ચ થશે. 

સામાન્ય સભામાં ગણતરીની મિનિટોમાં અંદાજપત્રને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તેમજ સામાન્ય સભાના પ્રોસિડિંગ અને કારોબારી સમિતિમાં પસાર થયેલા ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. 

પાલિકાના ચૂંટાયેલા ૩૬ સભ્યો પૈકી ૨૬ સભ્યો સભામાં હાજર રહ્યાં હતાં. જ્યારે પાંચ સભ્યો ગેરહારજ રહ્યા હતા અને પાંચ સભ્યોએ રજા રિપોર્ટ મૂક્યા હતા. 

Tags :