સરપંચ સામે કથિત ભ્રષ્ટાચારની રજૂઆત મામલે
પોલીસ તપાસમાં અરજદારે જાતે દીવાસળી ચાંપી હોવાના વીડિયો પ્રાપ્ત થયા હતા, હત્યા કે આત્મહત્યા તેવી ચર્ચાઓ
આ કેસમાં મહિલા સરપંચ તથા તેમના પરિવાર ઉપર જીવતા સળગાવવાનો ગંભીર આક્ષેપ થયા બાદ અરજદાર પોતે જ પોતાની જાતને આગચંપી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. અરજદારનું મોત થતા હવે આ બનાવમાં વધુ એક વળાંક આવ્યો છે આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ભરતભાઈ પઢિયારે ગામમાં થતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ગામના મહિલા સરપંચ કોકીલાબેન પઢીયાર સહિતના વહીવટદારો સામે અવાજ ઉઠાવ્યો હતો. જેની અદાવત રાખી સરપંચના પરિવારના સભ્યો દ્વારા તેમના ઉપર હુમલો કરી તેમને માર મારી જલદ પદાર્થ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકે નોંધાઈ હતી. જોકે બાદમાં પોલીસે તપાસ કરતા ઘટના સમયે હાજર કેટલાક સ્થાનિકો પાસેથી વીડિયો પ્રાપ્ત થયા હતા. જેમાં ભરતભાઈ જાતે જ પોતાની જાતને દીવાસળી ચાંપતા નજરે પડતા સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો.જોકે આ ઘટનામાં આગના કારણે દાઝી ગયેલ ભરતભાઈ પઢીયારનું ૨૦ દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને કરુણ મોત થતા નવો વળાંક આવ્યો છે. શું ભરતભાઈએ કોઈના દબાણમાં આવીને આવું અંતિમ પગલું ભર્યું કે, કેમ તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. હાલ તો પોલીસ દ્વારા અરજદારના મોતના પગલે હવે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને સાથે સાથે અંબાવ ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આગચંપીની ઘટના સમયે હાજર અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો લેવા સાથે વાયરલ થયેલ વીડિયોની પણ પોલીસ દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.


