મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણના વિરોધમાં આવેદન
- ટેન્ડર રદ્દ કરવા સહિતની પડતર માંગો અંગે કર્મચારી સંઘ અને મજદૂર સંઘ દ્વારા રજુઆત
સુરેન્દ્રનગર : પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજનની કામગીરી ખાનગી સંસ્થાને સોંપવા સામે પીએમ પોષણશક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ તેમજ ભારતીય મજદૂર સંઘ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા ઉકેલ ન આવતા મુખ્ય મંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી તમામ માંગો અંગે રજૂઆત કરી હતી.
સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના હેઠળ ખાનગીકરણ કરવાના માધ્યમથી બજેટમાં ૫૫૧ કરોડની ફાળવણી કરી ખાનગી સંસ્થાઓને કેન્દ્રીય રસોડાનો કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત કરી હતી. જે ટેન્ડર રદ કરવાની માંગ અને જુની તેમજ સરકારની ગાઈડલાઈન મુજબ સ્થાનિક રસોઈયા દ્વારા જ ભોજન અને નાસ્તાની વ્યવસ્થા શરૂ રાખવાની માંગ સાથે પીએમ પોષણશક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ તેમજ ભારતીય મજદુર સંઘ સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત યોજના હેઠળ કામ કરતા શ્રમ રોજગાર વિભાગના અસંગઠીત શ્રમિક તરીકે નોંધાયેલા કામદારોને પણ સામાજીક સુરક્ષા સહિતના તમામ લાભો આપવા સહિતની માંગ અંગે રજૂઆત કરવામાં આવી હતી.