વડોદરામાં પેટ ડોગ રજિસ્ટ્રેશનના મુદ્દે જીવદયા પ્રેમીઓ અવઢવમાં મુકાયાઃદોડધામ કરી,જો કે VMCએ પ્રક્રિયા શરૃ કરી નથી
symbolic |
વડોદરાઃ અમદાવાદ કોર્પોરેશને પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલિસી ફરજિયાત કરતાં વડોદરામાં ડોગ પાળતા જીવદયા પ્રેમીઓ અવઢવમાં મુકાઇ ગયા છે.
રજિસ્ટ્રેશન કરાવવા દોડધામ,જો કે વડોદરા કોર્પોરેશને હજી રજિસ્ટ્રેશન પોલિસી નક્કી કરી નથી
અમદાવાદના હાથીજણ ખાતે પેટ ડોગે બાળકીને ફાડી ખાધી હોવાના બનેલા બનાવ બાદ પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલિસીનો કડક અમલ કરવામાં આવ્યો છે.રજિસ્ટ્રેશન નહિ કરાવનારાઓ માટે દંડની જોગવાઇ કરવામાં આવી છે.જ્યારે,ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપવા સુધીની પણ જોગવાઇ કરવામાં આવી છે.
અમદાવાદ કોર્પોરેશનની ઝુંબેશને પગલે વડોદરામાં ડોગ રાખનારા જીવદયાપ્રેમીઓ અવઢવમાં મુકાઇ ગયા છે અને રજિસ્ટ્રેશન માટે દોડધામ કરી રહ્યા છે.કેટલાક તો કોર્પોરેશન દ્વારા ડોગ કબજે લઇ લેવામાં આવશે તેવો પણ ભય સેવી રહ્યા છે. જો કે સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે,પેટ ડોગ રજિસ્ટ્રેશન પોલિસી અંગે વડોદરા કોર્પોરેશન દ્વારા હજી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.જો આ અંગે કોઇ નિર્ણય લેવાશે તો તેની જાહેર જનતાને જાણ કરવામાં આવશે.