'કૂતરો તો ફરશે...', પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા, માલિકની નફ્ફટાઈ પણ આવી સામે
Surat News : રાજ્યમાં મહિલા, બાળકો સહિત અનેક લોકો પર પાલતુ શ્વાનના ઘાતક હુમલાના ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પાલતુ શ્વાનના હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતુ. સમગ્ર મામલે પરિવારે પોલીસ અને પાલિકા કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરી છે. બનાવને લઈને માલિકની નફ્ફટાઈ પણ આવી સામે છે. બાળકના પરિવારે આક્ષેપ કર્યા છે કે, 'શ્વાનનો માલિકે કહેલું કે કૂતરો તો ફરજે, અમારું કાઈ નહીં ઉખેડી શકો...'
પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા
મળતી માહિતી મુજબ, સુરતની રુદમણિ સોસાયટી ખાતે 7 વર્ષના બાળક પર જર્મન શેફર્ડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પરિવારે પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. 19 સપ્ટેમ્બર, 2025ની સાંજે બનેલી ઘટનાને લઈને બાળકના પરિવારે ફરિયાદમાં જણાવ્યું છે કે, 'પાલતુ શ્વાનના માલિક અરવિંદ ગોસ્વામીની પત્નીએ તેમના કૂતરાને મારા દીકરા પર હુમલો કરવા ઉશ્કેરવામાં આવ્યો હતો. જેમાં શ્વાને મારા દીકરા પર હુમલો કરતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકને 14 ઈન્જેક્શન આવ્યા છે. '
સમગ્ર ઘટના મામલે જ્યારે બાળકના પરિવારે ફરિયાદ કરવાનું જણાવ્યું તો શ્વાનના માલિકે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. અમારો કૂતરો અહીં જ ફરજે તેવું કહ્યું હતું. બનાવને લઈને પરિવારે પોલીસ અને પાલિકા કમિશનર સહિત તંત્રમાં ફરિયાદ કરી છે.