દસાડામાં મુલડા ગામના વ્યક્તિની હત્યા કેસમાં એકને આજીવન કેદ
એક આરોપીને પાંચ વર્ષની બેને નિર્દોષ છોડી મુકાયા
2019 માં યુવતીની છેડતી મામલે સમાધાન કરવા ભેગા થયેલા બે દેવીપૂજક પરિવાર વચ્ચે મારમારી થઇ હતી
સુરેન્દ્રનગર - દસાડા શહેરમાં ૨૦૧૯માં યુવતીની છેડતી મામલે સમાધાન કરવા ભેગા થયેલા બે દેવીપૂજક પરિવાર વચ્ચે મારમારી થઇ હતી. જેમાં મુલડા ગામના વ્યક્તિને છરીના ધા વાગતા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. આ બનાવમાં પાંચ આરોપી સામે ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ ધ્રાંગધ્રાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે પાંચ આરોપીઓ પૈકી એકને આજીવન કેદની ફટકારી છે તેમજ અન્ય એક આરોપીને પાંચ વર્ષની અને એક આરોપીને એબેટ જાહેર કરતો ચુકાદો આપ્યો છે. જ્યારે બાકીના બેને નિર્દોષ જાહેર કર્યાં છે.
દસાડામાં વર્ષ ૨૦૧૯માં કન્યા શાળા પાછળ દેવીપુજક સમાજની યુવતીની છેડતી બાબતે ચાલતી માથાકુટ મામલે મામા તેમજ ફઈબાના બે પરિવારો સમાધાન માટે એકત્ર થયા હતા. જેમાં મુલાડા ગામના રાજુભાઈ મુળસંગભાઈ દેવીપુજક પણ મહેમાનગતિએ આવ્યા હતા. જે દરમ્યાન બન્ને જુથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સવજીભાઈ દેવીપુજક અને તેમના ભાઈઓ ઉશ્કેરાઈ જતા રાજુભાઈ દેવીપુજકને પેટના ભાગે છરીના ધા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.
આ મામલે લક્ષ્મણભાઈ અમરતભાઈએ દસાડા પોલીસ મથકે પાંચ શખ્સ સવજીભાઈ કાંતિભાઈ દેેવીપૂજક, ધરમભાઈ કાંતિભાઈ દેવીપૂજક, નાનજીભાઈ કાંતિભાઈ દેવીપૂજક, સંતુરભાઈ કાંતિભાઈ દેવીપૂજક, કનુભાઈ કાંતિભાઈ દેવીપૂજક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેનો કેસ ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટમાં દાખલ કર્યો હતો જેમાં આધાર પુરાવાના આધારે ત્રીજા એડીશ્નલ સેસન્સ જજએ આરોપીઓ પૈકી નાનજીભાઈ કાંતિભાઈ વઢીયારા(દેવીપુજક)ને આજીવન કેદની સમાજા તમેજ રૃા.૧૦,૦૦૦નો દંડ, સતુરભાઈકાંતિભાઈવઢીયારા દેવીપુજકને પાંચ વર્ષની સખત કેદની સજા અને રૃા.૫,૦૦૦ નો દંડ તથા કનુભાઈ કાંતિભાઈ વઢીયારને એબેટ જાહેર કરવામાં આવ્યા છે. આ સિવાયના બે આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.