Get The App

સુરત પાલિકામાં ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા સ્થાયી અધ્યક્ષની નોંધ

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
સુરત પાલિકામાં ACBમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા સ્થાયી અધ્યક્ષની નોંધ 1 - image


Surat Corporation : સુરત પાલિકામાં લાંચ લેતા એસીબીમાં રંગેહાથ ઝડપાયેલા કર્મચારીઓને પુનઃ ફરજ નિયુક્ત કરવામાં આવે છે ત્યારે મલાઈદાર જગ્યાએ મૂકવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદ છે. આવી ફરિયાદ બાદ સ્થાયી સમિતિ અધ્યક્ષે એસીબીમાં પકડાયેલા કર્મચારીઓને ફરી તે વિભાગમાં ન મુકવા નોંધ મૂકી છે. જ્યાં લાંચ લેતા ઝડપાયા હોય તે વિભાગમાં મૂકવાથી પાલિકાની ઈમેજને ફટકો પડતો હોવાનો મત તેઓએ વ્યક્ત કર્યો છે. 

સુરત પાલિકામાં લાંચ આમ વસ્તુ બની ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કોર્પોરેટરો સાથે પાલિકાના કેટલાક કર્મચારી-અધિકારીઓ પણ લાંચ કેસમાં ઝડપાયા છે તેમ છતાં પાલિકામાં અધિકારી-કર્મચારીઓની લાંચ લેવાની વૃત્તિ બંધ થતી નથી. તેનું કારણ એ છે કે પાલિકામાં લાંચ લેતા રંગે હાથે એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હોય પરંતુ સમય મર્યાદા બાદ ફરીથી નોકરી પર મુકવામાં આવે છે ત્યારે મલાઈદાર પોસ્ટ પર જ મુકવામાં આવે છે. 

આવા પ્રકારની અનેક ફરિયાદ બાદ પાલિકાની સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે મ્યુનિ. તંત્રને એક નોંધ મૂકી છે તેમાં આવા લાંચીયા કર્મચારીઓને પુનઃ સ્થાપન કરવામા આવે ત્યારે તે જગ્યાએ ન મુકવા ભલામણ કરી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું છે કે, એસીબી દ્વારા લાંચ લેતા જે કર્મચારીઓને ઝડપી પાડવામાં આવ્યા હોય તેઓને તે જ વિભાગમાં કે તે ઝોનમાં મુકવા જોઈએ નહીં. તે જગ્યાએ જ ફરી મુકવામાં આવે છે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય જણાતું નથી અને પાલિકાની ઈમેજને નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે લાંચ કેસમાં ઝડપાયા બાદ પુનઃ નોકરી પર લેવામાં આવે છે ત્યારે તેના હોદ્દાને અનુરૂપ અન્ય જગ્યાએ કામગીરી સોંપવી જોઈએ. 

સ્થાયી સમિતિના અધ્યક્ષ ની વાત સાથે અનેક લોકો સંમત થઈ રહ્યાં છે કારણે ઝોનના શહેર વિકાસ વિભાગમાં લાંચ લેતા ઝડપાયેલા એક કર્મચારીને ફરીથી કતારગામ ઝોનમાં જ શહેર વિકાસ વિભાગમાં મૂકવામાં આવ્યા છે અને ત્યાર બાદ તેઓ બેફામ બની રહ્યા છે આવા અનેક કિસ્સા જોતાં લાંચ પ્રકરણ બાદ ઝડપાયેલા કર્મચારીઓને અન્ય જગ્યાએ મુકવા જોઈએ તેવી માંગ થઈ રહી છે.

Tags :