ટ્રાફિકની અંધાધૂંધીને કારણે લોકોની મજા બગડી
ટ્રાફિકનું નિયમન યોગ્ય નહીં હોવાની ફરિયાદો, ટ્રાફિક બ્રાંચના અધિકારીઓએ કહ્યું 400 માણસો તહેનાત હતા
રાજકોટ: અટલ સરોવર પાસે આજે યોજાયેલા એર શોને લોકોએ મનભરીને માણ્યો હતો. પરંતુ એર શો પુરો થયા બાદ ટ્રાફિકની અંધાધૂંધીને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. એકાદ કલાક સુધી એર શો ચાલ્યો હતો. જેની સામે વાહનચાલકો કહે છે દોઢેક કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહ્યા હતા.
શરૂઆતથી જ જંગી મેદની ઉમટી પડવાની ધારણા હતી. જે સાચી પડી હતી. આમ છતાં ટ્રાફિક બાબતે કોઈ વ્યવસ્થા નહીં કરાયાની ફરિયાદો ઉઠી છે. એર શો બાદ અટલ સરોવર આસપાસના તમામ વિસ્તારોમાં વાહનોના ખડકલા થઈ ગયા હતા. જેને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. કટારિયા ચોકડીએ રસ્તો બંધ હોવાથી અને રૈયા ગામ પાસે સિંગલ પટ્ટીનો રોડ હોવાથી આ કારણોસર પણ ટ્રાફિક જામની સમસ્યા બેવડાઈ હતી.
જોકે ટ્રાફિક બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે તેમણે ટ્રાફિક જામ ન થાય તે માટે પુરતી વ્યવસ્થા કરી જ હતી. સવારથી જ ટ્રાફિક પોલીસ, ટીઆરબી અને હોમગાર્ડના મળી ૪૦૦ જવાનોને તહેનાત રખાયા હતા. જેમણે વાહનો બરાબર પાર્ક થાય તે સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવી હતી.
પરંતુ બની શકે છે કે એર શો પુરો થયા બાદ તમામ લોકો એકસાથે રવાના થયા એટલે થોડો સમય કદાચ ટ્રાફિક જામ સર્જાયો હશે. વાહન ચાલકો ભલે ઘણો સમય ટ્રાફિક જામમાં અટવાયાની વ્યાપક ફરિયાદો હોય પરંતુ ટ્રાફિક બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે તેમના સ્ટાફે સારી વ્યવસ્થા જાળવી હતી !
તે સાથે જ ટ્રાફિક બ્રાંચના માણસો સાથે વાહન ચાલકોને બોલાચાલી થયાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.


