વડોદરાના મકરપુરામાં રહેણાંક વિસ્તારમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ, ચોમાસામાં સાવચેતી જરૂરી
Vadodara Crocodile Rescue : વડોદરામાં રહેણાંક વિસ્તારોમાં મગરો ઘૂસી આવવાના કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે, ખાસ કરીને ચોમાસામાં. ત્યારે ગઈ મધરાતે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ રેસીડેન્સીના એક મકાનમાં મગર ઘૂસી આવતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.મકરપુરાની સંસ્કૃતિ રેસીડેન્સીમાં આવેલા એક મકાનના હીંચકા પાસે આશરે ત્રણ ફૂટ લાંબા મગરના બચ્ચાને જોઈને ઘરના સભ્યો ચોંકી ઉઠ્યા હતા અને તેમના જીવ અધ્ધર થઈ ગયા હતા. તરત જ કમ્પાઉન્ડની અંદર આવી ગયેલા આ મગરને પકડવા માટે જીવદયા કાર્યકરોની મદદ લેવામાં આવી હતી.
માહિતી મળતા જ જીવદયા કાર્યકર જયેશ પટેલ અને તેમની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. થોડી જ વારની જહેમત બાદ તેમણે સુરક્ષિત રીતે મગરનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા મગરને ત્યારબાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
શા માટે મગરો રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવે છે?
ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી અને તેની આસપાસના જળાશયોમાં પાણીનું સ્તર વધી જાય છે. જેના કારણે મગરો પોતાના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર નીકળીને રહેણાંક વિસ્તારો તરફ આવી જાય છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રયસ્થાન છે અને તે શહેરની મધ્યમાંથી પસાર થાય છે, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ સામાન્ય બની રહી છે.
રહીશો માટે સાવચેતીના સૂચનો:
મગર દેખાય તો તરત જાણ કરો: જો તમારા વિસ્તારમાં મગર દેખાય તો તેની નજીક જવાની ભૂલ ન કરો. તાત્કાલિક વન વિભાગ, ટોલ-ફ્રી નંબર અથવા સ્થાનિક હેલ્પલાઈન કે અથવા તો જીવદયા સંસ્થાનો સંપર્ક કરો.
પાણીના સ્ત્રોતોથી દૂર રહો: ચોમાસા દરમિયાન નદી કિનારે કે નીચાણવાળા પાણી ભરાયેલા વિસ્તારોમાં બાળકોને રમવા ન દો.
કમ્પાઉન્ડની સુરક્ષા: ઘરના કમ્પાઉન્ડ અને ગેટ બંધ રાખો, જેથી મગર અંદર પ્રવેશી ન શકે. જો શક્ય હોય તો જાળી કે નેટનો ઉપયોગ કરો.
પાણીના નિકાલની વ્યવસ્થા: ખાડા-ખાબોચિયામાં પાણી ભરાયેલા ન રહે તેનું ધ્યાન રાખો, કારણ કે મગરો આવા સ્થળો તરફ આકર્ષાઈ શકે છે.