Get The App

સિંગતેલ બેફામ મોંઘું કરાતા લોકો કપાસિયા, સૂર્યમુખી તેલ તરફ વળ્યા

Updated: Mar 10th, 2023

GS TEAM

Google News
Google News
સિંગતેલ બેફામ મોંઘું કરાતા લોકો કપાસિયા, સૂર્યમુખી તેલ તરફ વળ્યા 1 - image


ગુજરાતીઓ હવે સિંગતેલ છોડીને અન્ય તેલની ટેવ પાડે તેવા દિવસ : રાજકોટ સિંગતેલ રૂ. 2900ને પાર થયું, કપાસિયા-સૂર્યમુખી 1900 નીચે: લેવાલી નથી તે સિંગતેલમાં જ બેફામ વધારાથી વેપારીઓને પણ નુકસાની

રાજકોટ, : સરકારે મુક રહીને સિંગતેલ લોબીને બેફામ નફાખોરી અને પાછલા બારણે સટ્ટાખોરીની છૂટ આપી દીધી હોય તેમ  આજે માર્ચ માસના 9દિવસમાં ડબ્બે રૂ. 60નો વધારો થતા આજે સૌરાષ્ટ્ર સિંગતેલ ડબ્બો રૂ. 2900ને પાર થઈને બ્રાન્ડેડમાં 3000ના ભાવ બોલાતા લોકો ડબ્બે રૂ.એક હજાર સસ્તુ પડે છે તે કપાસિયા ઉપરાંત હવે સૂર્યમુખી તેલ તરફ વળ્યા છે.

ગુજરાતમાં 42 લાખ ટન મગફળીનો પાક થયો હતો, માંગમાં કોઈ નોંધપાત્ર વધારો નથી, માલની કોઈ અછત નથી, લોકોમાં લેવાલી નથી અને છતાં બેલગામ નફાખોરીના પગલે સિંગતેલ ડબ્બાના ભાવ સતત વધારતા રહ્યા છે અને આજે રાજકોટ બજારમાં રૂ.2860- 2910 ના ભાવે સોદા થયા હતા. તા.૧ માર્ચે સિંગતેલ રૂ.2800- 2850 માં રૂ. 60નો વધારો થયો છે જ્યારે કપાસિય,સૂર્યમુખી,પામતેલ સહિતના તમામ સાઈડ તેલો નીચા મથાળે સ્થિર રહ્યા છે. આ સિલસિલો લાંબા સમયથી ચાલી રહ્યો છે. 

કપાસિયા તેલ ઘટીને આજે રૂ. 1840- 1890 થયું હતું અને લોકો હવે જેના તરફ ઝડપથી વળી રહ્યા છે અને અગાઉ જે કપાસિયા કરતા રૂ. 700 સુધી મોંઘુ હતું તે સૂર્યમુખી તેલના ભાવ પણ હાલ ઘટીને રૂ.1850- 1890 થતા તેની ઘરાકી નીકળી છે. વેપારી વર્તુળો અનુસાર કપાસિયા,સુર્યમુખી તેલ ઉંચા ભાવે સ્ટોક કરાયું છે અને વધારે વેચાણ તેનું હોય વેપારીઓને ખોટ જઈ રહી છે. સિંગતેલના ભાવ સાંભળીને ગ્રાહકો તેનાથી વિમુખ થવા લાગ્યા છે. આ સ્થિતિ આગળ વધી તો ભવિષ્યમાં મગફળીનું તેલ લોકો વિસરવા માંડશે. 

દરેક તેલમાં અમુક પોષક તત્વો હોય છે અને વધુ પડતા સેવનથી નુક્શાન થતું હોય છે. તબીબો તૈલી પદાર્થો ઓછા ખાવા ભલામણ કરતા હોય છે. મોંઘવારીથી બચવા આ હેલ્થ ટીપ્સ હવે લોકો અપનાવવા લાગે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. 


Tags :