ગાંધીનગરના વાવોલમાં ફાટકના કારણે ટ્રાફિકથી પરેશાન લોકોનો રોષ ભભૂક્યો, ટ્રેન રોકી ભારે વિરોધ
Gandhinagar News : ગાંધીનગરના વાવોલમાં એક કલાકથી વધુ સમય માટે ફાટક બંધ રહેતા વાહન ચાલકો રોષે ભરાયા હતા. જેથી ટ્રાફિકથી પરેશાન લોકોએ ટ્રેન રોકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, ટેક્નિકલ કારણોસર ફાટક બંધ રહ્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે બંધ હાલતમાં રહેલા ફાટક પાસે ઊભેલા વાહનચાલકો પરેશાન થતાં વિરોધ નોંધાવ્યો હતો.
વાવોલમાં એક કલાક ફાટક બંધ રહેતા લોકોમાં રોષ
મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેરના વાવોલ ફાટકથી વાહનોની અવર-જવર વધુ રહેતી હોય છે. જ્યારે તહેવારના સમયે વાવોલ ફાટક બંધ રહેવાના કારણે રાહદારીઓ ટ્રાફિકમાં અટવાયા હતા. જોકે, એક કલાક સુધી ફાટક બંધ હાલતમાં રહેતા ભારે ટ્રાફિકજામમાં ફસાયેલા લોકોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, 'અહીં ટ્રાફિકજામની સમસ્યાની વારંવાર જોવા મળે છે. જેથી લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે.'
જ્યારે એક કલાક સુધી ફાટક બંધ રહેતા લોકોએ ત્યાંથી પસાર થતી એક ટ્રેનને રોકી હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને રેલવેનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી.