પાવાગઢ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બોડેલીના બે યુવાનોની અંતિમયાત્રા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
દિલીપભાઇ મંદિર ખાતે સિક્યુરિટિ ગાર્ડ હતા ઃ હિતેશના મૃત્યુથી પરિવાર શોકમગ્ન
બોડેલી તા.૭ પાવાગઢ રોપ વે દુર્ઘટનામાં બોડેલી તાલુકાના બે યુવાનોના મોતથી ગમગીન માહોલ બન્યો હતો. બંન્ને યુવાનોની અંતિમ યાત્રામાં આજે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
બોડેલીના પેટા ફળિયામાં જૂની બોડેલીના હિતેશ બારિયાએ પાવાગઢ ખાતે લિફ્ટ તૂટી પડતાં જીવ ગુમાવ્યો હતો. વતન બોડેલી ખાતે અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અચાનક બનેલી ઘટનાથી સમગ્ર પરિવાર શોકમગ્ન બન્યો હતો.
આ ઉપરાંત બોડેલી તાલુકાના મોતીપુરાના દિલીપભાઈ નવલસિંહ કોળીનું પણ પાવાગઢ રોપ વે દુર્ઘટનામાં મોત થયું હતું. દિલીપભાઈ છેલ્લા પાંચ વર્ષથી પાવાગઢ ખાતે નિજ મંદિર ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા.
દિલીપભાઈના અવસાનથી પત્ની ઇન્દુબેને પતિની જ્યારે ૧૧ વર્ષના પુત્ર ધૃતિક અને ૯ વર્ષની પુત્રી સુહાનીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ગઈકાલે મધરાતે એમ્બ્યૂલન્સ મારફતે દિલીપભાઈનો મૃતદેહ ગામમાં લવાયો ત્યારે સમગ્ર ગામ હિબકે ચડયુ હતું. આજે બપોરે અંતિમયાત્રામાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.