Gujarat

લીંબડી શહેરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયો

By GS TEAM
28 Jun 20251 min read
લીંબડી શહેરમાં ભગવાન જગન્નાથજીની પ્રથમ રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટયો

- વિવિધ સ્થળે ફરી શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પરત ફરી

- ઓપરેશન સિંદુર, ભારતીય સેના સહિતના ટેબલોએ આકર્ષણ જમાવ્યું : 150 પોલીસનો કાફલો ખડકાયો

લીંબડી : લીંબડી શહેરમાં પ્રથમ વખત રથયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રને નગરચર્યાએ નિહાળવા ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર ઠંડા સરબત અને પાણીની વ્યવસ્થા કરાઈ હતી.

લીંબડી નગરમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની પહિંદવિધિ કરીને ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ત્રણેયની મુતઓને રથમાં બિરાજમાન કરી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતેથી રથયાત્રા પ્રસ્થાન થઈ હતી. ઓપરેશન સિંદુર તથા ભારતીય સેના તથા રામાયણ અને સનાતન ધર્મને અનુલક્ષીને વિવિધ ફ્લોટો સાથે નીકળેલી રથયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. શહેરના રાજકવિ ચોક, ગ્રીનચોક, તપસ્વી ચોક, સરોવરીયા હનુમાન, ભલગામડા ગેઈટ, સરકારી હોસ્પિટલ રોડ તથા સતવારા સમાજની વાડીએ થઈને મોટા મંદિર ખાતે શાંતિ પૂર્વક રથયાત્રા પુર્ણ થઈ હતી. 

ત્યાર બાદ મોટા મંદિર ખાતે મહા આરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સહિતના ૧૫૦થી વધુ પોલીસ સ્ટાફ દ્વારા રથયાત્રા રૂટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી શહેરમાં પ્રથમ વખત યોજાયેલી રથયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.