માંજલપુર મામલતદાર કચેરી પૂર્ણ કાર્યરત નહીં થતાં અને જર્જરિત તલાટી ઓફિસનું 5 કિ.મી. દૂર સ્થળાંતર કરતા હાલાકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેર દક્ષિણ વિભાગ(માંજલપુર)ની મામલતદાર કચેરી નાગરિક સેવા માટે પૂર્ણ કાર્યરત કરવા માંજલપુરના જાગૃત નાગરિક સત્યન દવેએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
વડોદરા શહેર દક્ષિણ વિભાગ (માંજલપુર)ની મામલતદાર કચેરી તારીખ 11 ફેબ્રુઆરી 2019ના રોજ કાર્યરત કરવામાં આવી હતી. જેનો અંદાજે 7 વર્ષ જેટલો સમય વિતવા છતાં માંજલપુર વિસ્તારના નાગરિકોને જરૂરી સેવાઓ ઉપલબ્ધ થતી નથી, જેના કારણે તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ આવે છે.
આજદિન સુધી માંજલપુર વિસ્તારના નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ તથા સંબંધિત દસ્તાવેજી કામગીરી માટે વડોદરા શહેર પશ્ચિમ વિભાગની મામલતદાર કચેરી (અકોટા) ખાતે જવું પડે છે. દસ્તાવેજ નોંધણી માટે પણ માંજલપુર વિસ્તારના રહીશોને અકોટા સબ-રજીસ્ટ્રાર કચેરી ખાતે જવું પડે છે, જે સ્થાનિક નાગરિકો માટે અસુવિધાજનક છે. પરિણામે “ઘરના છોકરા ઘંટી ચાટે" તેવી સ્થિતિમાં વહીવટ ચાલી રહ્યો છે. બીજી બાજુ, માંજલપુર તલાટીની કચેરી જર્જરિત હોવાનું દર્શાવી હાલની કચેરીથી અંદાજે 5 કિલોમીટર દૂર કલાલી ગામ ખાતે ખસેડવામાં આવી છે. આ કચેરીને માંજલપુર મામલતદાર કચેરીમાં કામચલાઉ ધોરણે શરૂ કરવામાં આવે તો સ્થાનિક નાગરિકોને થતો અનાવશ્યક ધક્કો અટકાવી શકાય. સાથે સાથે જૂની માંજલપુર તલાટી કચેરીને નવીન તથા તમામ સુવિધાઓ સાથે પુનઃનિર્માણ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવી પણ અત્યંત જરૂરી છે.
માંજલપુર મામલતદાર કચેરીના અંદર તથા કચેરીના કમ્પાઉન્ડમાં યોગ્ય સફાઈનો અભાવ છે. તેમજ કચેરીમાં આવેલા વૃક્ષો મુખ્ય રસ્તા પર નાગરિકોના આવાગમનમાં અડચણરૂપ બને છે. આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી પણ આવશ્યક છે.









