Gujarat

શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ

By GS TEAM
9 Oct 20252 mins read
શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં 3 દિવસના પાણી કાપથી લોકો ત્રાહિમામ

- બુધવારે મોટાભાગના વિસ્તારમાં દોઢથી 2 કલાક પાણી મોડુ આવ્યુ 

- મેઈન્ટેનન્સ કામગીરીના પગલે સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર સહિતના વિસ્તારમાં પાણીના ધાંધીયા 

ભાવનગર : મેઈન્ટેનન્સની કામગીરીના પગલે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં ત્રણ દિવસ તબક્કાવાર પાણી કાપ આપવામાં આવ્યો હતો, જેના પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણીના ધાંધીયા જોવા મળ્યા હતા, જયારે આજે બુધવારે કેટલાક વિસ્તારમાં પાણી મોડુ આવ્યુ હતું. 

જીડબલ્યુઆઈએલ હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેઈન્ટેનન્સની કામગીરી માટે ગત તા. ૬ થી તા. ૮ ઓકટોબર સુધી ભાવનગર મહાપાલિકાને મહી પરીએજમાથી મળતું સમગ્ર રો-વોટર બંધ રહ્યુ હતુ, જેના કારણે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર પર મહીપરીએજનુ રો વોટર બંધ રહ્યુ હતું. મેઈન્ટેનન્સની કામગીરીના પગલે મહાપાલિકાએ તરસમીયા ફિલ્ટર હેઠળના મોટાભાગના વિસ્તારમાં ત્રણ દિવસ તબક્કાવાર પાણી કાપ રાખ્યો હતો, જેના કારણે સુભાષનગર, કાળિયાબીડ, ભરતનગર સહિતના તમામ વિસ્તારમાં એક દિવસ પાણી આવ્યુ ન હતુ, જયારે આજે બુધવારે કાળિયાબીડ સહિતના વિસ્તારમાં દોઢથી બે કલાક પાણી મોડુ આપવામાં આવ્યુ હતું. 

દિવાળી પર્વ નજીક છે તેથી મહિલાઓએ હાલ ઘરની સાફ સફાઈ હાથ ધરી છે અને આ દિવસોમાં પાણી કાપ રહેતા તેમજ પાણી અનિયમીત આવતા લોકોની પરેશાની વધી હતી. પાણી પ્રશ્ને લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં. 

આજથી તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી અપાશે 

વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેઈન્ટેનન્સની કામગીરી માટે ભાવનગર શહેરના તરસમિયા ફિલ્ટર હેઠળના વિસ્તારોમાં પાણી હતો અને આજે વીજ પુરવઠો ન હોવાના કારણે ઉપરથી પાણી મોડુ આવ્યુ હતુ તેથી ઘણા વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં મોડુ થયુ હતુ પરંતુ આવતીકાલ ગુરૂવારથી તમામ વિસ્તારમાં રાબેતા મુજબ પાણી મળશે તેમ મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે માહિતી આપતા જણાવ્યુ હતું.