Gujarat

અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

By GS TEAM
18 Dec 20251 min read
અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

- આણંદ પાસે બાઇક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત 

આણંદ :  આણંદ પાસેના જીટોડીયાથી અંધારીયા ચકલા તરફ જવાના માર્ગ પર સીએનજી પેટ્રોલ પંપ નજીક આવેલા એક લાકડાના પીઠા સામેના રોડ ઉપર પૂરઝડપે જઈ રહેલા એક બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાનમોત થયું હતું.  

આણંદના ઈસ્માઈલનગર વિસ્તારમાં આવેલા કોહિનુર સોસાયટી ખાતે રહેતો ૨૯ વર્ષીય ઈમરાન ફિરોજભાઈ ઉર્ફે લાલો મન્સૂરી વ્હોરા બાઈક લઈને આણંદ પાસેના જીટોડીયાથી અંધારીયા ચકલા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સીએનજી પેટ્રોલ પંપથી થોડે આગળ લાકડાના પીઠા સામેના રોડ ઉપરથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પૂરઝડપે હંકારતા તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બાઈક રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇમરાન વોરાને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા થઇ હતી અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને તેને તુરંત જ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.