Get The App

જ્યાં ટ્રાફિક પોલીસ દેખાય ત્યાંથી લોકો દૂર ભાગે છે, ત્યાં આજે જામનગર ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વાહન ચાલકો

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
જ્યાં ટ્રાફિક પોલીસ દેખાય ત્યાંથી લોકો દૂર ભાગે છે, ત્યાં આજે જામનગર ટ્રાફિક પોલીસ પાસે ઉમટી પડ્યા વાહન ચાલકો 1 - image

Jamnagar Police : સામાન્ય રીતે ચાર રસ્તા કે ચોકડી પર પોલીસને જોઈને મોટાભાગના વાહન ચાલકો રસ્તો બદલી લે છે અથવા ત્યાંથી દૂર જવાનો પ્રયાસ કરે છે. પોલીસ એટલે દંડ અને કાર્યવાહી આવો ભય લોકોમાં રહેતો હોય છે. પરંતુ આજે જામનગર શહેરમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. અંબર ચોકડી વિસ્તારમાં જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરીને કારણે લોકો પોલીસથી દૂર ભાગ્યા નહીં, પરંતુ સ્વયં પોતાના વાહન લઈને ટ્રાફિક પોલીસ પાસે આવી રહ્યા હતા.

મકરસંક્રાંતિ તહેવાર નજીક હોવાથી પતંગના દોરાથી થતા અકસ્માતો અને ગંભીર ઈજાઓ અટકાવવાના હેતુથી જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા આજે કોઈપણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી નહોતી. ટ્રાફિક પોલીસના જવાનોના હાથમાં આજે દંડની પાવતી બુક નહીં પરંતુ લોકોની સલામતી માટેના સાધનો જોવા મળ્યા. ટુ-વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે મોટરસાયકલ અને સ્કૂટરની આગળની સાઈડ પર સેફ્ટી વાયર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી.

 આ અનોખી પહેલને કારણે વાહન ચાલકોમાં ટ્રાફિક પોલીસ પ્રત્યે સકારાત્મક ભાવના જોવા મળી. લોકો પોતાની ઇચ્છાથી આગળ આવીને પોતાના વાહનમાં સેફ્ટી વાયર લગાવી રહ્યા હતા. પતંગના દોરા ગળામાં ફસાઈ જવાથી થતી ગંભીર ઈજાઓથી બચવા માટે આ સેફ્ટી વાયર કેટલો જરૂરી છે તેની સમજ પણ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી.

આ સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો માનવતા અને સંવેદનશીલતા સાથે કામગીરી કરતા જોવા મળ્યા. માત્ર નિયમોનું પાલન કરાવવું નહીં પરંતુ લોકોના જીવની સુરક્ષા કરવી પણ પોલીસની જવાબદારી છે—આ ભાવનાથી આ અભિયાન ચલાવવામાં આવ્યું. આ કામગીરીમાં ટ્રાફિક પીઆઇ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

 અંબર ચોકડી પર આજે પોલીસ અને જનતા વચ્ચે એક નવી છબી ઊભી થઈ—દંડ આપતી પોલીસ નહીં પરંતુ જીવ બચાવતી પોલીસ. જામનગર ટ્રાફિક પોલીસની આ પહેલને વાહન ચાલકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે અને મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન સલામતીનો મહત્વપૂર્ણ સંદેશ લોકો સુધી પહોંચ્યો છે.