વડોદરા કોર્પોરેશન બાદ વીજ કંપની દ્વારા શટડાઉનથી કારેલીબાગના લોકો પાણીથી વંચિત
Vadodara : મહીસાગર નદીના રાયકા-દોડકા ખાતે મોટી પાણીની લાઈન નાખી હોવા છતાં પણ સમગ્ર કારેલીબાગમાં પાણીના ધાંધિયા યથાવત રહેતા કોઈ ફેરફાર થયો નથી. જ્યારે બીજી બાજુ સામાન્ય થયેલી રાહતમાં વીજ કંપની દ્વારા શટડાઉનના કારણે વીજળી બંધ રહેતા કારેલીબાગ વિસ્તારમાં ફરી એક વખત પાણીની રામાયણ સર્જાઇ છે. જોકે આ અંગે વીજ કંપની દ્વારા અગાઉ ગઈ તા.3જીએ અખબારી જાહેરાત અપાઈ હોવાનો ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી પાણીનો સતત કકળાટ રોજિંદો બન્યો હતો. આ અંગે સ્થાનિકોના રોજિંદા આંદોલન અને પાણીની ટાંકીએ હલ્લાબોલ કાર્યક્રમ થતા રહ્યા હતા.
જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા ઘરે ઘરે પાણીના ટેન્કરથી કકળાટ ડામવા થીગડા મારવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. દરમિયાન રાયકા-દોડકા ખાતે પાણીની મોટી લાઈન નાખવાથી પ્રેશરમાં વધારો થશે તેવી જોરશોરથી જાહેરાતો કરીને તંત્ર દ્વારા કારેલીબાગની જનતાને હથેળીમાં ચાંદ બતાવી દેવાયો હતો. જ્યારે બીજી બાજુ રાયકા દોડકા ખાતે પાઇપ લાઈન બદલવા માટે કારેલીબાગની જનતાને વીના વાંકે પાણીની સમસ્યા બે દિવસ ભોગવવાનો વખત આવ્યો હતો. પાઇપલાઇન બદલાઈ ગયા છતાં હજી સુધી પાણીના પ્રેસરની ચાતક નજરે કારેલીબાગની પ્રજા ઇન્તજાર કરી રહી છે.
દરમિયાન ગઈ તા.ત્રીજી ઓગસ્ટે વીજ તંત્ર દ્વારા આજે તા.11મી ઓગસ્ટે શટ ડાઉનનો કાર્યક્રમ હોવાનું જાહેર કરી દેવાયું હતું. આઠ દિવસ એડવાન્સમાં અપાયેલી જાહેરાતમાં કારેલીબાગની પ્રજાને શટ ડાઉનના કારણે સવારનું પાણી મળશે નહીં તેમ જણાવી દેવાયું હતું. જ્યારે બપોરનું પાણી વિલંબથી અને ઓછા પ્રેશરથી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરિણામે કારેલીબાગના સ્થાનિક રહીશોને વધુ એક વખત પાણી વિના વલખા મારવાનો વખત આવ્યો છે.