અમરેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટની દુર્ગંધને લીધે આઠ ગામના લોકોમાં રોષ
છેલ્લાં પાંચ વર્ષથી ફતેપુર ગામ નજીક ગંદકીનું સામ્રાજ્યઃ તમાશો જોતું તંત્ર
કચરાના ગંજ ઉપરાંત મૃત પશુઓની દુર્ગંધથી સ્થાનિક લોકો ત્રસ્તઃ આડેધડ ફેકવામાં આવતા કચરાને લીધે રસ્તાની એક સાઈડ બંધ
અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવામાં આવે છે અને શહેરનો સમગ્ર કચરો ફતેપુર ગામ પાસે આવેલા મેદાનમાં ઠાલવવામાં આવે છે. પાલિકાની બેદરકારીને કારણે કચરો હવે રોડ સુધી આવી ગયો છે અને એક સાઇડનો રોડ તો કચરાના કારણે બંધ થઈ ગયો છે. સફાઈ વ્યવસ્થામાં હજુ પણ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે.શહેર નજીકમાં આવેલ ફતેપુર ગામ પાસે છેલ્લા પાંચ વર્ષથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને રસ્તા પર સતત પડેલા કચરાના ઢગલાઓ અને મૃત પશુઓની દુર્ગંધ સ્થાનિક રહીશો માટે જીવલેણ સમસ્યા બની ગઈ છે. સ્થાનિકોએ જણાવ્યું કે અહીંથી વિદ્યાર્થીઓને પસાર થવું પણ મુશ્કેલ બને છે, અને અમારે સામે રહેવું પણ મુશ્કેલ છે. ઘરમાં અત્યંત દુર્ગંધ આવે છે, રહેવું મુશ્કેલ બન્યું છે અને બાળકોના આરોગ્ય ઉપર પણ અસર જોવા મળે છે. થોડા સમય પછી આસપાસ રહેતા લોકોના ઘરે ઘરે માંદગીના ખાટલા દેખાઈ તો નવાઈ નહીં.
ફતેપુર ગામ પાસે આવેલા મુખ્ય માર્ગ પર ગંદકી એવી વકરેલી છે કે વાહનચાલકો અને રાહદારીઓને નાક આડો હાથ રાખીને નીકળવું પડે છે. દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. સ્થાનિક નાગરિકોએ આ મુદ્દે ઘણીવાર નગરપાલિકા પાસે રજૂઆત કરી હોવા છતાં કોઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે નાગરિકો તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે