વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી લાઈટો બંધ રહેતા લોકોનો વીજ કચેરીએ હલ્લાબોલ
- ગુરૂવારે વરસાદ બાદ લોકો અકળાતા આક્રોશ ઠાલવ્યો
- સુત્રોચ્ચાર સાથે લોકોનો વિરોધ : પીજીવીસીએલના કર્મચારીઓએ જવાબ આપવાને બદલે પોલીસને બોલાવવાની ફરજ પડી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગત ગુરૂવારે મોડીસાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડયા બાદ કલાકો સુધી વિજપુરવઠો ખોરવાઈ રહેતા રોષે ભરાયેલા લોકોએ મુખ્ય પીજીવીસીએલ કચેરી ખાતે મોડીરાત્રે હલ્લાબોલ કરી વિરોધ કરતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગુરૂવારે મોડીસાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થતાં જ પીજીવીસીએલ તંત્ર દ્વાર સાવચેતીના ભાગરૂપે વિજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ થોડી મીનીટો બાદ વરસાદ બંધ થઈ ગયો હતો તેમ છતાંય પીજીવીસીએલ તંત્ર દ્વારા વિજપુરવઠો શરૂ કરવામાં આવ્યો નહોતો. અનેક વિસ્તારોમાં વૃક્ષો સાથે વિજપોલ પણ તુટી જતા રાતભર લોકોને વિજપુરવઠા વગર રહેવાનો વારો આવ્યો હતો જે અંગે પીજીવીસીએલ તંત્રના અધિકારીઓ કે ફરિયાદ નંબર પર યોગ્ય જવાબ ન મળતા શહેરના અનેક વિસ્તારોના લોકો મોડીરાત્રે પીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે ઉમટી પડયા હતા અને બેદરકારી સામે રોષ દાખવી હલ્લાબોલ કર્યો હતો તેમજ પીજીવીસીએલ તંત્ર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે આ તકે સ્થાનીકો દ્વારા પીજીવીસીએલના કર્મચારીઓ યોગ્ય જવાબ પણ ન આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ સંતોષકારક જવાબ આપવાને બદલે પીજીવીસીએલ તંત્ર દ્વારા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. અવાર-નવાર પીજીવીસીએલ તંત્રની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.