કલોલ નગરપાલિકામાં રિ ટેન્ડરિંગનો વિવાદ મારામારી સુધી પહોંચ્યો, કોર્પોરેટરના પતિને ફટકાર્યા
Kalol Corporation: ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતાં. મળતી માહિતી મુજબ કલોલ મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અચાનક લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યાં હતાં.
વિવાદ મારામારી સુધી પહોંચ્યો ત્યારે હાજર લોકો જાણે પોતાનું ભાન ભૂલ્યા હોય તેમ ખુરશી માથે લઈ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, પ્રજા અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે ફરીથી ટેન્ડરિંગની પ્રક્રિયા કરીને સમય વેડફવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર મામલે સૌથી પહેલાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રકાશ મરાઠા તેમજ અન્ય અધિકારીઓ સાથે ટોળાની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વાત વણસી જતાં હાજર લોકોએ પોતાનો કાબુ ગુમાવતા મામલો બિચક્યો હતો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં.
રોષે ભરાયેલા લોકોમાંથી એક વ્યક્તિએ તો ટેબલ પર ચઢીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો ઝીંકી દીધો હતો. આ સાથે ત્યાં હાજર ટોળામાંથી એક અન્ય વ્યક્તિએ કોર્પોરેટરના પતિને ઉપરા-છાપરી ત્રણ-ચાર તમાચા માર્યા હતાં. ગુસ્સે ભરાયેલા ટોળામાંથી એક વ્યક્તિએ તો ખુરશી માથે ઉપાડીને અધિકારીને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ મારામારીની ઘટના દરમિયાન હાજર અન્ય લોકો નારાબાજી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
ઉશ્કેરાયેલું ટોળું છેલ્લે ચીફ ઓફિસરને ત્યાં રજૂઆત કરવા પહોંચ્યું હતું. જ્યાં હાજર કોર્પોરેટરોએ ટોળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ લોકો માનતા નહતાં. ત્યારબાદ પોલીસ વચ્ચે પડતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.