બોરસદમાં વોર્ડ નં.-બેમાં દૂષિત પાણીથી લોકોને ઝાડા, પેટમાં દુઃખાવાની ફરિયાદો

- પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતા રોગચાળો વકર્યો
- મા સરસ્વતી સોસાયટીના રહીશો રોગચાળામાં સપડાતાં પાલિકાના પાણી વિભાગમાં રજૂઆત કરવા જતા કોઈ હાજર ન હતું
આણંદ : બોરસદ નગરપાલિકાના વોર્ડ નંબર-બેની સોસાયટીઓમાં ૬ દિવસથી દુર્ગંધ યુક્ત ડહોળું પાણી આવી રહ્યું છે. મા સરસ્વતી સોસાયટીના રહીશોને ઝાડા તથા પેટમાં દુઃખાવો થવા સાથે રોગચાળો ફેલાયો છે. ગટરનું દૂષિત પાણી ભળી જતા સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે.
બોરસદના પાંચ નાળા વિસ્તારમાં આવેલી મા સરસ્વતી સોસાયટી તથા આજુબાજુની સોસાયટીઓમાં છેલ્લા છ દિવસથી ડહોળું અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે. જેને કારણે પીવાનું પાણી ખૂબ જ નુકસાનકારક હોવાનું જણાઈ રહ્યું છે. પીવાના પાણીની લાઈનમાં ગટરની લાઈનનું પાણી ભળી જતા સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. સરસ્વતી સોસાયટીના રહીશોને ગંદા પાણીથી પાણીજન્ય રોગો થઈ રહ્યા છે. કેટલાય દર્દીઓએ ખાનગી દવાખાનાઓમાં જઈને બાટલા ચઢાવવાની નોબત આવી છે. સોસાયટીના રહીશોમાં હાલ ઝાડા તથા પેટમાં દુઃખાવો થતો હોવાના લક્ષણો જણાઈ રહ્યા છે.
આ વિસ્તારની મહિલા ગંદા પાણીની બોટલ ભરીને બોરસદ નગરપાલિકામાં ફરિયાદ માટે પણ ગઈ હતી. પરંતુ નગરપાલિકામાં પાણી વિભાગના કોઈ કર્મચારી હાજર ના હોવાને કારણે તેમને નિરાશા મળી હતી. પાલિકામાંથી સિવિક સેન્ટરમાં ફરિયાદ નોંધાવા સંદર્ભે કહેવામાં આવ્યું હતું.
બોરસદની મા સરસ્વતી સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીઓના રહીશો પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા છે. ત્યારે સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી ઉઠી છે.
વિસ્તારમાં આવીને લાઈન ચેક કરી જઈશું : પાણી વિભાગ
આ સંદર્ભે નગરપાલિકાના પાણી વિભાગના હીતેશભાઈ દલવાડીને દૂષિત પાણી અંગે પૂછતા તેમણે કાલે વિસ્તારમાં આવીને લાઈન ચેક કરી દઈશું તેવો જવાબ આપ્યો હતો.

