Gujarat

કોરોના અને કાયદાના ડરથી રાંદેર ઝોનમાં લોકો સેલ્ફ લોકડાઉનના માર્ગે

By GS Team
16 Jul 20202 mins read
This article was originally published on 16 Jul 2020
કોરોના અને કાયદાના ડરથી રાંદેર ઝોનમાં લોકો સેલ્ફ લોકડાઉનના માર્ગે

સુરત, તા. 16 જુલાઈ, 2020, ગુરૃવાર

સુરતના રાંદેર-અડાજણ વિસ્તારમાં આજે 50 ટકાથી વધુ દુકાનો સ્વૈચ્છીક બંધ રહી હતી. જ્યારે અન્ય દુકાનદારોએ બપોરે બે વાગ્યે  દુકાનો બંધ કરવા તૈયારી દર્શાવી છે. આ વિસ્તારમાં લોકો દ્વારા સેલ્ફ  લોકડાઉનને પગલે રસ્તાઓ સૂમસાન જોવા મળ્યા હતા.

સંપુર્ણ રહેણાંક વિસ્તાર ધરાવતાં રાંદેર ઝોન વિસ્તારમાં સંક્રમણ વધવા સાથે અનેક રહેણાંક સોસાયટીમાં પણ પોઝીટીવ કેસ આવ્યા છે. ઝોનમાં કેસની સંખ્યા ૭૨૫ થઇ છે. છેલ્લા 14 દિવસમાં 13 દર્દીના મોત પણ થયા છે. સ્થિતિમાં બે દિવસથી મ્યુનિ. તંત્ર દ્વારા  લોકોને સેલ્ફ લોકડાઉન માટે સમજ અપાઇ રહી હતી. તેમજ ગાઇડલાઇનનો ભંગ થશે તો આકરા દંડની ચીમકી પણ આપી હતી. જેને પગલે આજે સ્વયંભૂ બંધ જોવા મળ્યો હતો. મોટાભાગની દુકાનો સવારથી ખૂલી જ નહોતી.

ખૂલેલી દુકાનોના માલિકોને અપીલ કરવામાં આવતા ફરી બંધ થઇ ગઇ હતી. આવશ્યક ચીજોની દુકાનો જોકે ખૂલ્લી રહી હતી.  સેલ્ફ લોકડાઉનનો રાંદેર-અડાજણ વિસ્તારનો વિકલ્પ અન્ય વિસ્તારમાં કે જ્યાં સંક્રમણ વધુ છે ત્યા અપનાવાય તો સંક્રમણ ઘટી શકે છે. દરમિયાન વેપારીઓમાં પણ ચર્ચા ચાલી રહી છે કે, ગાઇડલાઇન મુજબ ધંધો કરવો મુશ્કેલ છે. ધંધો મંદ છે ત્યાં આકરો દંડ ચૂકવવો પડે છે એના કરતા દુકાનો બંધ રાખવી હિતાવહ છે. કોરાનાનો ડર કે દંડનો ડર જે હોય તે પણ સેલ્ફ લોકડાઉનને લીધે કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની આશા છે.

લોકોનો પ્રશ્ન, મ્યુનિ. સત્તાવાર રીતે લોકડાઉન કેમ જાહેર કરતું નથી ?

રાંદેર ઝોનમાં શરૃ થયેલા  સેલ્ફ લોકડાઉનને મ્યુનિ. તંત્ર પણ આવકારી રહ્યું છે. રાંદેરની જેમ જ કતારગામ વિસ્તારમાં પણ સંક્રમણ સૌથી વધુ છે ત્યારે ત્યાં પણ લોક ડાઉન જરૃરી છે. મ્યુનિ. તંત્ર  લોકોને સેલ્ફ લોક ડાઉન માટે અપીલ કરે છેપરંતુ લોક ડાઉન જરૃરી છે તો મ્યુનિ. ંતંત્ર સત્તાવાર રીતે લોકડાઉન જાહેર કરીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કેમ નથી કરતી તે પ્રશ્ન સૌને મુંઝવી રહ્યો છે.

ભીડ થાય છે શાકભાજી વેચાણ અને ખાણી પીણીની દુકાનો પાસે જોખમ

રાંદેર ઝોનમાં કોરોના કે દંડની બીકથી અડધાથી વધુ દુકાનો  સેલ્ફ લોક ડાઉન થઈ રહી છે પરંતુ હજી પણ કેટલીક ખાણી પીણીની દુકાનો અને શાકભાજીના ફેરિયાઓ પાસે ભીડ થઈ રહી છે તે  જોખમી બની શકે છે. શાકભાજીના વિક્રેતાઓ સાથે આજે પણ કેટલીક ખાણી પીણીની લારીઓ પર ભીડ જોવા મળી હતી.  મ્યુનિ.  તંત્ર અને પોલીસ સોશ્યલ ડિસ્ટન્સની વાત કરી રહી હોવા છતાં કેટલીકજગ્યાએ હજી પણ તેનો અમલ થતો નથી.