Surat : સુરત શહેરના વરાછા વિસ્તારના ફ્લાય ઓવર બ્રિજ નીચે ન્યુસન્સ હટાવવા માટે પાલિકા-પોલીસે અભિયાન શરુ કર્યું છે પરંતુ આ વિસ્તારમાં દબાણ કરનારાઓ પાલિકા પોલીસ કરતાં સવાયા બની ગયાં છે. વરાછા ફ્લાયઓવર બ્રિજ નીચે પીલર અને બ્રિજના સ્લેબ વચ્ચે પોલાણ હોય છે ત્યાં દબાણ કરનારા કાપડ-દોરડા વડે પહોંચી રહ્યાં છે. હાલ એક વિડીયો વાયરલ થયો છે તેમાં દબાણ કરનારાઓ બ્રિજના પોલાણમાં જતા હોય તેવું દેખાઈ રહ્યું છે. જો આવી રીતે કોઈ સામાજિક કે દેશ વિરોધી તત્વો અહીં પહોંચે તો ભાંગફોડ પ્રવૃત્તિ થઈ શકે તે શક્યતા નકારી શકાતી નથી. જાહેર રસ્તા પર આવી પ્રવૃત્તિ થઈ રહી છે તેની સામે પાલિકા કે પોલીસે કોઈ કામગીરી નથી કરી તેના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાઈ રહ્યું છે.
સુરતના વરાછા વિસ્તારમાંથી પસાર થતા ફ્લાય ઓવર બ્રિજ નીચે ન્યુસન્સ દુર કરવા માટે ધારાસભ્ય સહિત અનેક લોકોની ફરિયાદ બાદ પાલિકા-પોલીસે સંકલન કરીને આ દબાણ દુર કરવા માટે અભિયાન શરુ કર્યું છે તેમાં સફળતા પણ મળી છે. પરંતુ હવે દબાણ કરનારાઓ પાલિકા અને પોલીસ કરતા એક ડગલું આગળ પહોંચી પોલીસ-પાલિકાને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો બહાર આવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે તેના કારણે અનેક લોકો વિચાર કરતા થઈ ગયાં છે.
વરાછા ફ્લાયઓવર નીચે હીરાબાગ સર્કલ ખાતે ઉતરતા રેમ્પ નીચે કેટલાક વ્યક્તિઓ બ્રિજના પિલર અને બ્રિજના સ્લેબની વચ્ચેના ગેપમાં કાપડ-દોરડાથી અવર જવર કરતા નજરે પડે છે. સામાન્ય નાગરિક માટે આ જગ્યા પહોંચની બહાર છે તેમ છતાં આ દબાણ કરનારાઓ અહીં સુધી બિંદાસ્ત પહોંચી રહ્યાં છે. આવી સ્થિતિમાં બ્રિજના અંદરના ભાગ સુધી અનધિકૃત રીતે પહોંચવું માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ જાહેર સલામતી માટે પણ ગંભીર ખતરો છે. હાલ તો આ જગ્યાએ દબાણ કરનારા પહોંચ્યા છે પરંતુ દબાણ કરનારાના વેશમાં ક્યારેક કોઈ અસામાજિક કે દેશ વિરોધી તત્વો બ્રિજના પોલાણમાં પહોંચી જાય, તો ભાંગફોડ પ્રવૃત્તિ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
આ વિસ્તારના લોકો માટે આ દ્રશ્યો સામાન્ય થઈ પડ્યા છે આ પ્રવૃત્તિ થાય છે તે જાહેર રસ્તો છે અને આ રસ્તા પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે પોલીસ અને પાલિકાના અધિકારીઓ પણ પસાર થાય છે. તેમ છતાં જાહેર રસ્તા પર ખુલ્લેઆમ ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે તંત્ર તરફથી કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હોવાથી દબાણ કરનારાઓની હિંમત દિવસેને દિવસે ખુલી રહી છે. સ્થાનિક રહેવાસીઓમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે ફ્લાયઓવર બ્રિજની આસપાસ સતત પોલીસ પેટ્રોલિંગ, સીસીટીવી કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે તે જરૂરી છે. છેલ્લા આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેમ છતાં પણ પાલિકા-પોલીસ હજુ જાગતી નથી તેથી લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે. લોકોને ચિંતા છે કે, ભૂતકાળમાં સુરતમાં બોમ્બ મુકાયા હતા ત્યારે સૌથી વધુ બોમ્બ વરાછા વિસ્તારમાં મુકાયા હતા તે ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે લોકો કડક કાર્યવાહીની માગણી કરી રહ્યાં છે.


