Get The App

બે સરકારી કચેરીઓની ખેંચતાણમાં પ્રજાનો મરો મહેસૂલ ભરવા સિટિ સર્વે કચેરીઓ અને તલાટી ઓફિસના ધક્કા ખાતા લોકો

બે કચેરીઓની ખો ખો ની રમતના કારણે એક મહિનાથી મહેસૂલની રકમ નહી સ્વીકારાતા સરકારી તિજોરીને પણ મોટો ફટકો

Updated: Mar 3rd, 2026

GS TEAM

Google News
Google News
બે સરકારી કચેરીઓની ખેંચતાણમાં પ્રજાનો મરો  મહેસૂલ ભરવા સિટિ સર્વે કચેરીઓ અને તલાટી ઓફિસના ધક્કા ખાતા લોકો 1 - image

વડોદરા, તા.3 મહેસૂલ વસૂલવાની સત્તા સિટિ સર્વે કચેરીઓ પાસેથી લઇને તલાટીઓને સોંપવાના પરિપત્ર બાદ સિટિ સર્વે કચેરીઓએ મહેસૂલ લેવાનું બંધ કરી દીધું છે પરંતુ તલાટીઓ દ્વારા પણ મહેસૂલની રકમ નહી સ્વીકારાતા છેલ્લા એક મહિનાથી  નાગરિકો મહેસૂલ ભરવા માટે હેરાન પરેશાન થઇ રહ્યા છે.

રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક દ્વારા તા.૫ના રોજ પરિપત્ર બહાર પાડીને છેલ્લા સાત વર્ષથી ચાલતી સિસ્ટમ પર પડદો પાડી દઇ જૂની સિસ્ટમ મહેસૂલ વસૂલવા માટેની ચાલુ રાખવા રાજ્યના દરેક જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી જણાવ્યું હતું. આ પત્ર સિટિ સર્વે કચેરીઓમાં પહોંચતા જ આ કચેરીઓેએ મહેસૂલની વસૂલાત કરવાનું તાત્કાલિક બંધ કરી દઇ હવે તલાટી ઓફિસમાં જવાનું તેમ લોકોને જણાવવામાં આવે છે.

જ્યારે મહેસૂલ ભરવા માટે મિલકતના માલિક સિટિ સર્વે કચેરીમાંથી તલાટી ઓફિસમાં જાય ત્યારે તલાટી દ્વારા સ્પષ્ટ જણાવી દેવાય છે કે અમોને મહેસૂલ ભરવાની સત્તા છે જ નહી તમારે સિટિ સર્વે કચેરીમાં જ જઇને રકમ ભરવાની હોય છે અને તેઓ મહેસૂલની રકમ સ્વીકારતા નથી. આમ મહેસૂલ ભરવા માટે મિલકતના માલિકને એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધક્કા ખાવાનું શરૃ થઇ ગયું છે અને તેના કારણે પ્રોપર્ટીકાર્ડ બનાવવા ઇચ્છૂક નાગરિકો ચિંતામાં મૂકાઇ ગયા છે.

સરકાર દ્વારા મહેસૂલ ભરવા માટે ચોક્કસ અમલ થાય તે માટે સિસ્ટમ ગોઠવવા કરતા સીધો પત્ર લખી દેતા હવે બંને કચેરીઓ વચ્ચેની ખેચતાણમાં લોકો હેરાન થઇ રહ્યા છે. મહેસૂલ ક્યાં ભરવું તે સ્પષ્ટતા થઇ હોવા છતાં તલાટી ઓફિસોમાં સિસ્ટમ ગોઠવાઇ નહી હોવાથી તેઓ મહેસૂલની રકમ લેવા તૈયાર જ નથી. છેલ્લા એક મહિનાથી લોકોને સરકારને મહેસૂલ ભરવા માટે એક કચેરીમાંથી બીજી કચેરીમાં ધરમના ધક્કા થઇ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે સરકારે પણ મહેસૂલ પેટે સરકારી તિજોરીમાં આવતી લાખોની રકમ ગુમાવી રહી છે અને તે માત્ર બે સરકારી કચેરીઓની ખેંચતાણના કારણે.


પરિપત્રને લઇ બંને કચેરીઓ સામ સામે ઃ ઉચ્ચ અધિકારીઓ પણ મૌન


તા.૫ ફેબુ્રઆરીના રોજ રાજ્યના સેટલમેન્ટ કમિશનર અને જમીન દફ્તર નિયામક દ્વારા મહેસૂલ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં મહેસૂલ કઇ કચેરીએ ભરવો તે અંગે સ્પષ્ટ સૂચના હોવા છતાં બંને કચેરીઓ પોતાની મરજી મુજબ તેનો અર્થ કાઢે છે અને તેનો મરો પ્રજાને છે. મહત્વની બાબત એ છે કે પ્રજા છેલ્લા એક મહિનાથી અગવડતા ભોગવી રહી છે છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તે અંગે કોઇ નિર્ણય લેવામાં આવતો નથી.


પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરાવવા માટે મિલકત ધારકો હેરાન


પ્રોપર્ટીકાર્ડ મેળવવા માટે મહેસૂલની રકમ ભરવી અનિવાર્ય છે. જ્યારે મિલકત ધારક પોતાની પ્રોપર્ટીનું નામ દાખલ કરાવવા માટે સિટિ સર્વે કચેરીમાં જાય ત્યારે બાકી મહેસૂલ ભર્યુ હોવાની પાવતી માંગવામાં આવે છે પરંતુ મહેસૂલ કઇ ઓફિસે ભરવું તે સ્પષ્ટ જ નથી તો મહેસૂલ ક્યાં ભરવું તે અંગે અસંમજસ છે. પ્રોપર્ટી કાર્ડમાં નામ દાખલ કરવા માટે અરજદારે સરકારી વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.