Gujarat

કપડવંજના અગ્રાજીના મુવાડામાં 20 દિવસથી પીવાના પાણી માટે રઝળપાટ

By GS TEAM
26 Jun 20251 min read
કપડવંજના અગ્રાજીના મુવાડામાં 20 દિવસથી પીવાના પાણી માટે રઝળપાટ

- વારંવાર પાણી પુરવઠામાં રજૂઆત છતાં પરિણામ નહીં

- નવો સંપ બનાવ્યો પણ લાઈન જ હજૂ ચાલુ કરાઈ નથી : સમસ્યા ઉકેલવાના બદલે થઈ જશેનું તંત્રનું રટણ

કપડવંજ : કપડવંજ તાલુકાના અગ્રાજીના મુવાડા ગ્રામ પંચાયતમાં ૨૦ દિવસથી પીવાના પાણી માટે ગ્રામજનો રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. આ અંગે મહિલા સરપંચે પાણી પુરવઠા વિભાગમાં રજૂઆત કરી સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માંગણી કરી છે.

કપડવંજ તાલુકાના અગ્રાજીના મુવાડા ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા બનાવેલા સંપમાં હજૂ સુધી પાણીની લાઈન ચાલુ કરાઈ નથી. જૂની પાઈપ લાઈનમાંથી પુરતા પ્રમાણમાં પીવાનું પાણી આપવામાં આવતું નથી. પંચાયતના કાળકાના મુવાડા, લખા ભગતના મુવાડામાં નવા સંપ હોવા છતાં મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે સરપંચે રજૂઆતમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, ગામની મહિલાઓ બાળકો, ઘરકામમાંથી સમય કાઢી પીવાના અને પશુઓ માટેના પાણી માટે વજન ઊંચકી રઝળપાટ કરવા સાથે શારીરિક- માનસિક ત્રાસ વેઠવા મજબૂર બની છે. ત્યારે પાણી પુરવઠાના વાંકે ગ્રામજનોને પાણી માટે પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે આ અંગે પંચાયતના લેટરપેડ પર વારંવાર રજૂઆત કરવા છતાં નાયબ કાર્યપાલક ઈજનેર 'થઈ જશે'નું જ રટણ કરે છે. ત્યારે અધિકારીનું ગ્રામજનો સુધી પીવાનું પાણી પહોંચાડવાનું કાર્ય હોવા છતાં તે પણ હલ કરી નહીં શકતા હોવાના આક્ષેપ કર્યા છે.