Gujarat

શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો

By GS TEAM
15 Dec 20252 mins read
શિયાબાગના કુંભારવાડામાં ત્રણ દિવસ થી પાણી વગર ટળવળતા લોકો

શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ કુંભારવાડામાં પાણીની નવી લાઈન નાખ્યા બાદ તેનું જોડાણ ન કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક રહીશો પાણી વગર ટળવળી રહ્યા છે. વોર્ડ નંબર ૧૩માં સમાવિષ્ટ આ વિસ્તારમાં અવારનવાર પાણીની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે ફરી એક વખત પાણી કકળાટ સર્જાયો છે.

રહીશોનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની નવી લાઈન નાખવાની કામગીરી કર્યાબાદ જોડાણ કરવાના સ્થાને અન્ય જગ્યાએ કામગીરી માટે જતાં રહીશોને કોઈ આગોતરી જાણ કર્યા વગર પાણી પુરવઠો બંધ રાખ્યો છે. પરિણામે છેલ્લા ત્રણ દિવસથી એક ટીપું પાણી પણ આવી રહ્યું નથી, જેના કારણે ઘરેલુ કામકાજ તેમજ પીવાના પાણી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ એકત્ર થઈ મ્યુ. કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આ મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલરે જણાવ્યું હતું કે, છેલ્લા પંદર દિવસથી કુંભારવાડા વિસ્તારમાં પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જૂની પાણીની લાઈનો સારી હાલતમાં હોવા છતાં નવી લાઈનો પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત, કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી અધવચ્ચે છોડી દેવામાં આવતા લોકો પાણી વગર તરસી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મ્યુ. કોર્પોરેશન કોન્ટ્રાક્ટરની કામગીરી સામે આંખ આડા કાન કરી રહ્યું છે.

કાઉન્સિલરે ચેતવણી આપી હતી કે, જો તાત્કાલિક ધોરણે પાણીની લાઈનનું જોડાણ કરી પૂરતા પ્રમાણમાં ચોખ્ખું પાણી પૂરું પાડવામાં નહીં આવે તો રહીશોને સાથે રાખી મ્યુ. કમિશ્નરને રજૂઆત કરાશે.