Gujarat

તળાજા શહેરમાં ગટરના ગંધાતા પાણીમાંથી લોકો ચાલવા મજબૂર

By GS TEAM
21 Jun 20252 mins read
તળાજા શહેરમાં ગટરના ગંધાતા પાણીમાંથી લોકો ચાલવા મજબૂર

- ભાજપના શાસકો અને તંત્રનું મૌન, રસ્તા પર નર્કાગાર જેવી સ્થિતિ

- લાખો રૂપિયાના ખર્ચે વસાવેલું ગટર સફાઈ માટેનું મશીન ખોટકાયું, મરામત કરવામાં આળસ

તળાજા : તળાજા શહેરમાં ભાજપના શાસકો અને નગરપાલિકા તંત્રના પાપે રસ્તાઓ ઉપર નર્કાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત ઉભરાતી ગટરોના કારણે લોકોને ગટરના ગંધાતા પાણીમાંથી પસાર થવા મજબૂરી બની છે. આવી સ્થિતિ વચ્ચે પણ શાસકો કે ચૂંટણી સમયે બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા વિપક્ષના કાર્યકરોના પેટનું પાણી હલતું નથી.

તળાજાના જાહેર માર્ગો, શેરીઓમાં છેલ્લા કેટલાક સમયથી ભુગર્ભ ગટરમાંથી ગંદા પાણી વહેતા રસ્તાઓ ભરાઈ ગયા છે. આ ગંદા પાણીમાંથીસ્થાનિક રહિશોને પગપાળા અને વાહનો લઈને પસાર થવું પડી રહ્યું છે. અતિશય દુર્ગંધની સાથે મચ્છરજન્ય રોગચાળાના ભરડામાં પણ લોકો આવી રહ્યા છે. આ બાબતે વિવિધ વિસ્તારોમાંથી ફરિયાદો કરવામાં આવી તો ન.પા. તંત્ર દ્વારા બે-પાંચ માણસો પાસે કહેવા ખાતર કામ કરાવી સંતોષ માનવામાં આવે છે. નિયમ મુજબ ગટર સાફ કરવા માણસો ઉતારી શકાતા નથી. જેથી સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કરી ગટર સાફ કરવા માટે મશીન ફાળવ્યું છે. પરંતુ પ્રેસરથી ગટર સાફ કરતી આ મશીનરી પણ ખોટકાઈ જતાં મરામતના અભાવે પૂરતી કામ કરી શકતી નથી. જેના કારણે તળાજાના વિવિધ સ્તારોમાં ગટર ઉભરાવાથી રસ્તા પર પાણી વહેવાની સમસ્યા કાયમી બની છે. ચોમાસાની સિઝનમાં આજ પરિસ્થિતિ રહી તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત માથે મંડરાઈ રહી છે.