મહી નદી પરનો પુલ બંધ કરાતા લોકો 13 કિ.મી. અંતર વધુ કાપવા મજબૂર
- ગળતેશ્વરના સેવાલિયા પાસે 70 વર્ષ જૂનો
- સેવાલિયાથી ટીંબા, ગોધરા તરફ જતા નોકરિયાતોને ખર્ચ વધવા સાથે સમયનો વેડફાટ
ગંભીરા પુલની દુર્ઘટના બન્યા બાદ સફાળા જાગેલા તંત્રએ મહીસાગર નદીના પુલ ઉપરના ખાડાનું તાકીદે સમારકામ ચાલુ કરી દીધું પરંતુ, એક સામાન્ય વરસાદે પુરેલા ખાડાની પોલ ખોલી નાખી અને યથાવત પરિસ્થિતિ થઈ ગઈ હતી.
મહીસાગર નદીનો બ્રિજ આશરે ૭૦ વર્ષ જૂનો તેમજ એક કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતો પુલ છે. આ પુલ સેવાલિયા તરફથી ગોધરા તરફ જવા માટે લોકો ઉપયોગ કરતા હતા. સેવાલિયાથી ટીંબા તરફ તેમજ ટીંબાથી સેવાલી તરફ નોકરી તથા ધંધા અર્થે જતા લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા. ગંભીરાની ઘટના બાદ મહીસાગર નદીના જર્જરિત પુલને સમારકામ કરવા માટે કલેકટરના જાહેરનામાના કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. પુલ પરનો ટ્રાફિક ઇન્દોર-અમદાવાદ એક્સપ્રેસ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ રસ્તો બંધ કરવાના કારણે સેવાલિયા તરફથી ટીંબા તેમજ ટીંબાથી સેવાલીયા તરફ આવતા લોકો બે કિલોમીટરના બદલે ૧૫ કિ.મી. જેટલું વધુ અંતર કાપવા મજબૂર બન્યા છે. પુલ લગભગ બે મહિના માટે બંધ કરવામાં આવ્યો હોવાથી લોકો વધુ ખર્ચ અને સમયના વેડફાટ સાથે ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.