વડોદરાઃ વડોદરા નજીકના ભીમપુરા ગામે આજે સવારે એક મકાનમાં આગ લાગવાના બનાવમાં લોકોએ હિંમતભેર ઝઝૂમીને આગ કાબૂમાં લીધી હતી.
ભીમપુરામાં કનુભાઇ પરમારના મકાનમાં સવારે આગ લાગી ત્યારે કોઇ હાજર નહતું. જેથી આગ દીવા ને કારણે લાગી હતી કે શોર્ટ સર્કિટથી લાગી છે તે જાણી શકાયું નથી. મકાનમાંથી ધુમાડા નીકળતાં લોકો ભેગા થઇ ગયા હતા અને કનુભાઇના પુત્ર અલ્પેશને જાણ કરતાં તેણે ફાયર બ્રિગેડની મદદ માગી હતી.
દરમિયાનમાં આગ ઝડપભેર વધવા માંડી હતી અને ફ્રીજ,ટીવી,કુલર,બેડ અને અન્ય ફર્નિચરને ચપેટમાં લીધા હતા.જેથી ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં લોકોએ બારી-બારણાં ખોલી પાણીનો મારો ચાલુ કરી દીધો હતો. નજીકમાં પ્રાથમિક સ્કૂલ આવેલી હોવાથી ત્યાંની પાણીની લાઇન સાથે લોકોએ પાઇપનું જોડાણ કરીને મારો ચાલુ રાખતાં ફાયર બ્રિગેડ આવે તે પહેલાં આગ કાબૂમાં આવી ગઇ હતી અને વધુ પ્રસરતાં રહી ગઇ હતી.


