Gujarat

ન્યાયમંદિર , જયુબેલી બાગ, ન્યુ લહેરીપુરા રોડ પર વાહનોના પાર્કિંગથી રસ્તો સાંકડો થતો હોય પ્રજા પરેશાન

By GS TEAM
9 Jul 20252 mins read
ન્યાયમંદિર , જયુબેલી બાગ, ન્યુ લહેરીપુરા રોડ પર વાહનોના પાર્કિંગથી રસ્તો સાંકડો થતો હોય પ્રજા પરેશાન
 

ન્યાય મંદિર ફરતે 27 મીટરનો વન-વે હોવા છતાં વાહનોના પાર્કિંગના કારણે માર્ગ સાંકડો થવા અંગે વર્ષ 2018થી પૂર્વ કાઉન્સિલરની તંત્રને રજૂઆત હોવા છતાં આજદિન સુધી પરિસ્થિતિ યથાવત રહેતા આજે ન્યાયમંદિર પાસે અકસ્માતમાં એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશનની લાપરવાહીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ કાઉન્સિલરે કર્યા છે.



તાજેતરમાં જ પૂર્વ કાઉન્સિલરએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી કે, લહેરીપુરા ન્યુ રોડ 18 મીટર હોવા છતાં ટ્રાફિકની સમસ્યા છે. ચાર દરવાજામાં સાંજના સમયે રિક્ષાઓને બે કલાક  પ્રવેશ પ્રતિબંધ હોવાથી પૂર્વ વિસ્તારના લોકો શહેરની મધ્યમાં અથવા પશ્ચિમ વિસ્તાર તરફ જવા મોટી સંખ્યામાં આ માર્ગનો ઉપયોગ કરતા હોય ટ્રાફિક જામના કારણે તેઓનો કિંમતી સમય વેડફાય રહ્યો છે. અનેક રજૂઆત બાદ  લહેરીપુરા ન્યુ રોડ ઉપર સેન્ટ્રલ ડિવાઇડર નાખવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ છેલ્લા એક વર્ષથી તે કામગીરી પણ અધુરી છે. માર્ગની બંને તરફ ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાર્ક થઈ રહ્યા છે. આ વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ એક મહિલા પોલીસ અધિકારી ઉપર જીવલેણ હુમલો થવા મામલે તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તપાસ કરવા સ્થળ પર આવ્યા હતા. તે બાબતે પણ કોઈ નક્કર પગલા કે કામગીરી થઈ નથી. અને ટ્રાફિક શાખાના કર્મચારીઓ અહીં પાર્કિંગનો દંડ વસૂલતા પણ ગભરાય છે. જયુબેલી બાગ અને લહેરીપુરા ન્યાય મંદિર ફરતે વન - વે હોવા છતાં પણ માંડ એક રીક્ષા પસાર થાય તેવી કપરી પરિસ્થિતિનો સામનો નાગરિકો કરી રહ્યા છે. જેથી લહેરીપુરા ન્યુ રોડ પર પાર્કિંગ બંધ કરાવી ડિવાઇડર અને ફૂટપાથ બનાવવા રજૂઆત કરી હતી. જો અહીં 18 મીટરનો માર્ગ હોવા છતાં સેન્ટ્રલ ડિવાઇડર ના બનાવી શકતા હોય તો અથવા પાણીગેટ થી માંડવી, પાણીગેટથી ગાજરાવાડી, અડાણીયા પુલ, દાંડિયાબજારથી ટાવર સહિતના માર્ગ ઉપર 15 મીટરના રોડ ઉપર નિયમ વિરુદ્ધ બનાવવામાં આવેલ સેન્ટ્રલ ડિવાઈડર દૂર કરવા જોઈએ.