ઠાસરા નગરમાં ભૂલી તલાવડીમાં ગંદા પાણીના ભરાવાથી લોકો ત્રસ્ત
- દુર્ગંધ મારતા પાણીથી રોગચાળાનો ભય
- રેલવેનું નવું નાળું બનાવ્યા બાદ એક વર્ષથી પાણીનો નિકાલ નહીં થતા આસપાસના રહીશોને હાલાકી
ઠાસરા પાલિકાના વોર્ડ નં.-૬માં આવેલી ભૂલી તલાવડીના પાણીનો કોઈ નિકાલ નહીં થવાના પરિણામે અસહ્ય દુર્ગંધથી લોકો ત્રસ્ત બન્યા છે. તળાવમાં જીવ જંતુઓ પણ મરી જવાથી પાણીનો રંગ બદલાઈને લીલો થઈ ગયો છે. તળાવડી પાસે પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન, હાઈસ્કૂલ સહિત સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. ઠાસરા તાલુકાના ૨૫થી વધુ ગામોના ગ્રામજનો તાલુકા મથકે ખરીદી, સરકારી કામ કે ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને ભૂલી તલાવડી પાસેથી જ પસાર થવું પડે છે. રેલવેનું નવું નાળું બનાવ્યા બાદ એક વર્ષથી ભૂલી તલાવડીમાંથી પાણીનો નિકાલ નહીં થતા આ સમસ્યા સર્જાઈ છે.
આ અંગે ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખનો સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ નહીં કરી સંપર્ક કરવાનું ટાળ્યું હતું. ત્યારે રોગચાળો ફેલાય તે પહેલા ગંદા પાણીનો નિકાલ કરાય તેવી માંગણી ઉઠી છે.