Gujarat

બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન

By GS TEAM
18 Oct 20252 mins read
બાવળા હાઇવે અને ગૌરવ પથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન

- ટ્રાફિક નિયમન માટે પગલાં નહીં લેવાતા નાગરિકોમાં રોષ

- ગૌરવ પથ રોડ પર લારી-ગલ્લાનો કબજો, સાણંદ ચોકડી પર ટ્રાફિક નિયમનના અભાવે પર ટ્રાફિકજામ કાયમી બન્યો

બગોદરા : બાવળા શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યાએ માઝા મૂકી છે, જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્યત્વે બાવળા-બગોદરા હાઇવે પર આવેલી સાણંદ ચોકડી અને શહેરના ગૌરવ પથ રોડ પર ટ્રાફિક જામ નિયમિત બની ગયો છે, જેના કારણે કલાકો સુધી વાહનો ફસાય છે અને ઇમરજન્સી સેવાઓને પણ અસર પહોંચે છે.

બાવળાના ગૌરવ પથ રોડ પર લારી-ગલ્લા અને ફેરિયાઓ દ્વારા રોડ પર દબાણ કરતા વાહનોની અવરજવર માટે ખૂબ ઓછી જગ્યા બચે છે. પરિણામે, ટ્રાફિક ધીમો પડી જાય છે અને થોડા સમયમાં જ વાહનોની લાંબી કતારો લાગી જાય છે. 

બીજી તરફ, બાવળા હાઇવે પર આવેલી સાણંદ ચોકડી પણ ટ્રાફિક જામનું કેન્દ્ર બની ગઈ છે. હાઇવેનો આ વ્યસ્ત માર્ગ હોવાથી અહીં મોટા વાહનોની અવરજવર સતત રહે છે. યોગ્ય ટ્રાફિક નિયમન કે અન્ય માળખાકીય સુવિધાઓના અભાવે આ ચોકડી પર નિયમિતપણે ટ્રાફિક જામ થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘણીવાર તો આ ટ્રાફિક જામ કલાકો સુધી ચાલે છે.

રસ્તા પરના દબાણ દૂર કરી ટ્રફિકજામની સ્થિતિ હળવી કરવા માંગ

શહેરના મુખ્ય માર્ગો પર આટલી મોટી સમસ્યા હોવા છતાં, ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા આ દબાણ દૂર કરવા કે ટ્રાફિક નિયમન માટે કડક પગલાં લેવામાં આવતા ન હોવાથી સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે ગૌરવ પથ પરના લારી-ગલ્લાનું દબાણ દૂર કરાવે અને સાણંદ ચોકડી પર ટ્રાફિક વ્યવસ્થાપન સુધારે, જેથી સામાન્ય જનજીવન પૂર્વવત્ થઈ શકે.