કપડવંજમાં નવરાત્રિ ટાણે જ ઠેર ઠેર ગંદકી લોકો પરેશાન

- પ્રાથમિક સુવિધા આપવામાં પાલિકા તંત્ર નિષ્ફળ
- વડાદરા બ્રાહ્મણની વાડી સામે કાંસ આગળ ઘણા સમયથી કચરો ઉપાડાતો નથી
નવરાત્રિ મહોત્સવમાં કપડવંજમાં ઘેર ઘેર ધાર્મિક ઉપાસના ચાલી રહી છે. ત્યારે પાલિકાની બેકાળજીના કારણે અનિયમિત પાણી, ગટરો ઉભરાવી, ઠેર ઠેર ગંદકીના ઢગલા, સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદો ઉઠી છે. તાજેતરમાં જ બંધ સ્ટ્રીટ લાઈટોના કારણે કોલેજ નજીક રાહદારીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. ત્યારે પાલિકા તંત્રને નાગરિકોની કોઈ ચિંતા ન હોય તેમ પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ કે ઝડપી ઉકેલ લવાતો નથી.
અંધારિયા વડ નીચે વડાદરા બ્રાહ્મણની વાડી સામે પાણી જવાના કાંસ આગળ લાંબા સમયથી ગંદકીના ઢગ ખડકાયેલા હોવા છતાં પાલિકા તંત્ર તેને દૂર કરવાની તસ્દી લેતું નથી. સરકાર સ્વચ્છતા માટે લાખો રૂપિયા ખર્ચે છે. ત્યારે બીજી તરફ કપડવંજમાં ગંદકીના ઢગથી નગરજનો પરેશાન બન્યા છે.