વડોદરા શહેરના અજબડી મિલ વિસ્તારમાં ગંદકી અને રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન
Vadodara : વડોદરા શહેરના અજબડી મિલ વિસ્તારમાં ગંદકી અને રસ્તાની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ મીડિયાના માધ્યમથી આક્રોશ દર્શાવી તંત્ર વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવે તેવી રજૂઆત કરી છે.
વડોદરામાં વોર્ડ નંબર પાંચમાં સમાવિષ્ટ અજબડી મિલથી પાણીગેટ તરફ જવાનો માર્ગ બારેમાસ ગંદકીથી ખદબદતો જોવા મળે છે. ગંદકીના કારણે વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાય છે. જેથી સ્થાનિક રહીશો અને નજીકમાં આવેલ ગૌરવ સોસાયટીના રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. અહીંથી પસાર થતાં લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે. કેટલાક બેદરકારો પણ આ સ્થળે સતત કચરો ઠાલવતા રહે છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક રહીશનું કહેવું હતું કે, આ વિસ્તારમાં નજીકમાં સ્મશાન અને શાળા આવેલ હોય મોટી સંખ્યામાં લોકો આ માર્ગનો અવરજવર માટે ઉપયોગ કરતા હોય માર્ગ ખખડધજ હાલતમાં છે, તથા ડ્રેનેજના ખુલ્લા ચેમ્બર્સ અકસ્માતને નોતરું આપે છે, બારેમાસ ગંદકી રહેતા વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે, સ્થાનિક નગરસેવક અને કોર્પોરેશનના અધિકારીને અવારનવાર જાણ કરવા છતાં પરિસ્થિતિ યથાવત છે, આ માર્ગ ઉપર નવી વરસાદી કાંસની કામગીરી કાગળ ઉપરથી જમીન પર ઉતરી રહી નથી.