Get The App

ભાવનગર શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં મોડી રાત્રે અંધારપટ્ટ થતાં લોકો ત્રાહિમામ

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર  શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં મોડી રાત્રે અંધારપટ્ટ થતાં લોકો ત્રાહિમામ 1 - image

કલાકોનો વીજકાપ સહન કર્યાં પછી પણ પહેલા વરસાદમાં વીજળી ગૂલ

ભરતનગર, રિંગરોડ આસપાસની સોસાયટી, કરચલિયાપરા, પ્રભુદાસ તળાવ, સિંધુનગર વિસ્તારમાં પાવરકટ થઈ જતાં રહીશોને હાલાકી

ભાવનગરપ્રિ-મોનસૂન કામગીરીના નામે પીજીવીસીએલ શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં કલાકોનો વીજકાપ ઝિંક્યા બાદ શહેરમાં ગત મોડી પડેલા વરસાદી ઝાપટાંએ પીજીવીસીએલની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરમાં પડેલા વરસાદથી શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં ગત મોડીરાત્રે અડધી કલાકથી લઈને બે કલાક સુધી વીજળી ગૂલ થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

ચોમાસાની ઋતુમાં લોકોને વીજ પુરવઠો નિયમિત મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા ૧લી જાન્યુઆરીથી ૩૧મી મે દરમિયાન પ્રિ-મોનસૂન કામગીરી હાથ ધરવામાં આવે છે. ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના કુલ ૭૭૬ ફીડરોમાં ગત પાંચ મહિના દરમિયાન પ્રિ-મોનસૂન કામગીરીના ભાગરૃપે દરેક ફીડરમાં સરેરાશ પાંચ કલાકનો વીજકાપ આપવામાં આવ્યો હતો. પરંતુ પીજીવીસીએલની પ્રિ-મોનસુન કામગીરી જાણે કાગળ પર થઈ હોય તેમ ગત મોડી રાત્રે શહેરમાં ગાજવીજ સાથે પડેલા વરસાદી ઝાપટાંએ વીજતંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વરસાદી ઝાપટાંના કારણે શહેરના ભરતનગર, રિંગરોડની આંગી ટાઉનશીપ, આંગી હાઈટ્સ, માનસ પાર્ક, અખીલેશ સર્કલ, બાલયોગીનગર સહિતની સોસાયટીઓ, કરચલિયાપરા, પ્રભુદાસ તળાવ, ૫૦ વારિયા, સિંધુનગર, સુભાષનગરના અમુક વિસ્તારોમાં અડધા કલાકથી લઈને બે કલાક સુધી વીજળી ગૂલ થઈ હતી. ઉપરાંત સવારે પણ અમુક વિસ્તારમાં પાવરકટ થઈ જતાં રહીશોને ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. તેમજ ફોલ્ટ સેન્ટરમાંથી પણ સંતોષકારક પ્રત્યુત્તર નહી મળતો હોવાની રાવ ઉઠી હતી.

ફોલ્ટ સેન્ટરમાં ૪૮ કલાકમાં ૬૪૯ ફરિયાદો આવી

પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરમાં ૧ અને ૨ જૂન દરમિયાન પાવરકટ અને અન્ય મળી કુલ ૬૪૯ ફરિયાદો મળી હતી. જે પૈકી ૪૬૬ ફરિયાદોનું નિવારણ લાવી દેવામાં આવ્યું હતું. બાકીની ૧૮૩ ફરિયાદોમાંથી ૯૯ ફરિયાદો લાઈટ નહી હોવાની અને ૮૪ અન્ય ફરિયાદો હતી.