Get The App

જેતપુર-ધોરાજી પંથકમાં સાડાપાંચ કલાકમાં 12 ભૂકંપોથી લોકોમાં ભય : શાળાઓમાં રજા

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
જેતપુર-ધોરાજી પંથકમાં સાડાપાંચ કલાકમાં  12 ભૂકંપોથી લોકોમાં ભય : શાળાઓમાં રજા 1 - image

અસામાન્ય રીતે કચ્છને બદલે સૌરાષ્ટ્રની ફોલ્ટલાઈન સક્રિય  : સવારે 6.19 વાગ્યે 3.8ના સૌથી તીવ્ર ભૂકંપ બાદ 2.5થી વધુ તીવ્રતાના 10 આંચકાથી ઠંડીની સાથે કંપનથી ધ્રૂજી લોકો ઉઠયા : લોકો ઘરબહાર દોડયા : સ્કૂલેથી વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા

રાજકોટ, : અનેક ફોલ્ટલાઈનના કારણે ભૂકંપ પ્રભાવિત ઝોન-4માં આવતા સૌરાષ્ટ્રના ભૂગર્ભમાં ધરતીકંપની ગતિવિધિ તાજેતરમાં વધી છે, તાલાલામાં ઉપરાઉપરી તીવ્ર કંપનો બાદ અસામાન્ય અને આશ્ચર્યજનક રીતે ઉપલેટાથી 27 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ ઉપરાઉપરી 12 ભૂકંપોએ લોકોમાં ભયનો માહૌલ સર્જ્યો છે. ગત રાત્રિના 8.43 વાગ્યે 3.3ના ભૂકંપ બાદ આજે સવારે 6.19 વાગ્યે સૌથી વધુ તીવ્રતાનો 3.8નો ધરતીકંપ બાદ માત્ર સાડા 5 કલાકમાં 11 ભૂકંપોથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. 

આ તમામ ભૂકંપનું કેન્દ્રબિંદુ જામકંડોરણા, ધોરાજી, જેતપુર એ ત્રણ શહેરોની વચ્ચે પાંચદેવળા, લુનાગરી આસપાસ જ રહ્યું છે અને તમામ આંચકા જમીનથી 12થી 15 કિ.મી.ની ઉંડાઈએ લગભગ એક જ સ્થળે ઉદ્ભવ્યા છે. સૌથી મોટુ આશ્ચર્ય એ છે કે ઉપરોક્ત 12 ભૂકંપો 2.5થી વધુ તીવ્રતાના છે અને તે ઉપરાંત બીજા અસંખ્ય નાના આંચકા આવ્યા છે. જેના કારણે એક તરફ કડકડતી ઠંડીમાં સવારે ગાઢ નિદ્રામાંથી લોકો જાગીને ઘરની બહાર દોડી ગયા હતા.

કંપનની તીવ્રતા અને સંખ્યાથી તંત્ર એલર્ટ થયું હતું અને ધોરાજી તાલુકાની 48 અને જેતપુર તાલુકાની 70 સહિત તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. સવારે જે બાળકો સ્કૂલે ગયા તેમને ભૂકંપ બાદ ઘરે પરત મોકલી દેવાયા હતા અને કોઈ પણ ક્ષતિગ્રસ્ત બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓને નહીં બેસાડવા સૂચના અપાઈ છે. સિસ્મોલોજી વિભાગે મામલતદારો પાસેથી વિગતવાર રિપોર્ટ મંગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આવા આંચકા માટે ભૂગર્ભ જળસ્તરમાં ફેરફારનું સંભવિત કારણ અપાયું છે.